- વડોદરા જિલ્લા સેવા સદનના ધારાસભ્ય હોલમાં યોજાઈ બેઠક
- કોરોના મુદ્દે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
વડોદરા: શનિવારે વડોદરા જિલ્લા સેવા સદનના ધારાસભ્ય હોલમાં કોરોના મુદ્દે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં OSD, કલેક્ટર, તેમજ પોલીસ કમિશ્નર ઉપસ્થિત રહ્યા હતા. બેઠક બાદ OSD ડૉ.વિનોદ રાવે જણાવ્યું હતું કે શહેરમાં કોરોના ગાઇડલાઇન્સનું પાલન કડકાઇપણે કરાવાશે. નિયમો તોડનારને બક્ષવામાં નહીં આવે. આ માટે સ્કવૉડની રચના કરાશે. જેમાં પાલિકા અને પોલીસના અધિકારીઓનો સમાવેશ થશે. શહેરમાં 120 હોટ સ્પોટ શોધી ત્યાં સ્ક્વૉડ દ્વારા કડકાઈથી કાર્યવાહી કરાશે.
કલેક્ટર શાલીની અગ્રવાલે આપ્યું મોટું નિવેદન
બેઠકમાં કોરોના મુદ્દે મહત્વની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કલેક્ટર શાલીની અગ્રવાલે જણાવ્યું હતું કે આગામી 15 દિવસ વડોદરા માટે ખૂબ મહત્વના છે. કોર્પોરેશન અને પોલીસની સંયુક્ત ટીમ બનાવી હવેથી શહેરમાં કાર્યવાહી કરાશે. દરેક વોર્ડવાઈઝ ટીમ માસ્ક ન પહેરનાર અને સોશીયલ ડિસ્ટન્સનું પાલન ન કરનાર સામે કાર્યવાહી કરશે.
તમામ હોટ સ્પોટમાં પોલીસ અને પાલિકાની સંયુક્ત ટીમ કરશે કાર્યવાહી
વડોદરાના OSD વિનોદ રાવે જણાવ્યુ હતુ કે વડોદરામાં 120 હોટસ્પોટ નક્કી કરાયા છે. જ્યાં માસ્ક વગરના લોકો પાસેથી દંડ લેવાશે. માસ્ક વગર દુકાનમાં કામ કરનારા તેમજ વેપાર કરનારની દુકાનો સીલ કરાશે. કુલ 24 ફ્લાઇંગ સ્કવોડ તૈયાર કરાઈ છે જેમાં મોટા મોલ માટે ચારેય ઝોનમાં એક ફ્લાઇંગ સ્કવોડ તૈયાર કરી જે જે મોલમાં ભીડ હશે તો મોલને સીલ કરશે.