- જન આશીર્વાદ યાત્રા : પાદરા, કરજણ, ડભોઈ, વરણામાં ઠેર ઠેર ઉત્સાહભર્યો આવકાર
- કલેક્ટરથી તલાટીની કચેરી સુધી આકસ્મિક મુલાકાત લઈને કામગીરીની સમયબધ્ધતા ચકાસવામાં આવશે: રાજેન્દ્ર ત્રિવેદી
- અમે પ્રધાન અને કાર્યકર વચ્ચે ભેદ નથી કરતાં: રાજેન્દ્ર ત્રિવેદી
વડોદરા: જિલ્લામાં આજે 1 ઓક્ટોબરે મહેસુલ અને કાયદા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીના વડપણ હેઠળ જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ થયો છે. મહેસુલ અને કાયદા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ અટલાદરા મંદિર ખાતે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરી અને સંતોના આશીર્વાદ મેળવી વડોદરા શહેર જિલ્લામાં ભારતીય જનતા પક્ષની જન આશીર્વાદ યાત્રા શરૂ કરાવી હતી. પાદરા ખાતે મહેસૂલ પ્રધાને સરદાર પટેલ અને બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરી આદરાંજલી આપી હતી. મહેસૂલ પ્રધાને બાઈક રેલીમાં જોડાઈ કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો હતો. પાદરા નગરપાલિકાના ટાઉનહોલ ખાતે મહેસૂલ પ્રધાનનું કંકુ ચોખ્ખાનું તિલક કરીને પુષ્પવર્ષા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. મહેસુલ પ્રધાનનું સામાજિક, સેવાભાવી સંસ્થાઓ અને વિવિધ સામાજિક સંગઠનો દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું.
કાર્યકર્તાની તાકાત ઉપર પાર્ટી અને વ્યક્તિની જીત થતી હોય છે: રાજેન્દ્ર ત્રિવેદી
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલના નેતૃત્વમાં નૂતન સરકાર કામ કરી રહી છે. રાજ્યમાં છેલ્લા બે દાયકાથી ભાજપનું શાસન છે. અગાઉ વિજય રૂપાણી અને નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતે વિકાસની નવી ઉંચાઈઓ સર કરી છે. ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાને આગળ ધપાવવા અમારી સરકાર પ્રતિબદ્ધ છે. જન આશીર્વાદ યાત્રામાં કાર્યકરોને સંબોધતા રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા સર્વોપરી છે. કાર્યકર્તાઓ લોક પ્રશ્નોના વાહક છે. કાર્યકર્તાની તાકાત ઉપર પાર્ટી અને વ્યક્તિની જીત થતી હોય છે. આદર્શ કાર્યકર્તા કેવો હોય તેનું દ્રષ્ટાંતો આપતા તેમને ઉમેર્યું કે, આદર્શ કાર્યકર્તા પક્ષ પ્રત્યે હમેશા વફાદાર અને પ્રતિબદ્ધ હોવો જોઈએ. કાર્યકર્તાઓએ અભિમાન ન રાખવું જોઈએ. કાર્યકર્તાઓ પોતાના કામો કોઈ પણ રાજકીય વિવાદ વગર થાય તેવી હંમેશાં અપેક્ષા રાખતા હોય છે. હું સરકારમાં પ્રધાન છું પરંતુ મારા મતે કાર્યકર્તા અને પ્રધાનમાં કોઈ ભેદ રેખા નથી. કાર્યકર્તાઓ મારી પાસે ગરીબો, સમાજના છેવાડાના માનવીને સ્પર્શતા પ્રશ્નો અને સામૂહિક જનતા માટેના પ્રશ્નો લઈને આવશે તો તેમના માટે મારી ઓફિસના દરવાજા હંમેશાં ખુલ્લા છે. સરકારે ભારે વરસાદને કારણે લોકોના કાચા પાકા મકાનો, ઝૂંપડાઓને થતાં નુકસાનીની સહાયના ધોરણોમાં વધારો કર્યો છે. રાજ્યમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવી રહી છે. એટલુ જ નહિ દિવાળી સુધી ગરીબોને વિનામુલ્યે રેશન આપવામાં આવનાર છે.
ધારાસભ્ય, પ્રભારી સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત
રાજેન્દ્ર ત્રિવાદીએ ઉમેર્યું કે, લોકોના મહેસુલને લગતા કામો સરળતા સાથે ઝડપભેર થાય તેવા મારા હર હંમેશ પ્રયત્નો રહેશે. આવા કામોની કોઈ પેન્ડંસી સરકારી કચેરીઓમાં ચલાવી લેવામાં આવશે નહિ. આવનાર સમયમાં હું ગામડામાં ગ્રામ પંચાયત કચેરી, મામલતદાર, પ્રાંત કચેરી, કલેક્ટર કચેરીઓની ઓચિંતી મુલાકાત લઈશ અને કોઈ પડતર અને સમયમર્યાદા બહારના લોકોના કામો ધ્યાને આવશે તો તેનો સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવશે. આ અવસરે પ્રધાનના હસ્તે જરૂરિયાતમંદોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જન આશીર્વાદ યાત્રાને વડોદરા જિલ્લામાં ઠેર ઠેર વ્યાપક જન પ્રતિસાદ મળ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય અક્ષય પટેલ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિન વકીલ, જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ, પ્રભારી પરાક્રમસિંહ જાડેજા, યુવા મોરચાના હોદ્દેદારો- કાર્યકરો હાજર રહ્યા હતા.