વડોદરાઃ જિલ્લામાં કોંગ્રેસે આંતરરાષ્ટ્રીય બજારોમાં ફૂડ ઓઈલના ભાવ ઓછા થયા હોવા છતાં કેન્દ્ર સરકાર પ્રજા સામે લૂંટ ચલાવી રહી હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટર કચેરી બહાર માનવ સાંકળ રચીને ચક્કાજામ કર્યો હતો. તેમજ કોંગ્રેસે વીજ બિલ, શિક્ષણ ફી, મિલકત વેરો માફી અંગે જિલ્લા કલેક્ટર કચેરી બહાર ચક્કાજામ કરી સરકાર તરફી બેનરોની હોળી કરી વિરોધ નોંધાવ્યો હતો.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં નાગરિકોને રાહત મળે તે માટે શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, શહેર પ્રમુખ પ્રશાંત પટેલ અને વિપક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવની આગેવાનીમાં કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી હતી. કોંગ્રેસી અગ્રણીઓએ કલેક્ટર કચેરી બહાર રસ્તો ચક્કાજામ કરીને પેટ્રોલ-ડીઝલમાં કરાયેલા ભાવ વધારાનો વિરોધ કર્યો હતો, તેમજ સરકારની વાહવાહી કરતા બેનરોની હોળી કરી હતી.
કોંગ્રેસે જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલને રજૂઆત કરીને પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓછા કરવાની માગ કરી હતી. તેમજ વીજ બિલ ,શિક્ષણ ફી, મિલકત વેરો અંગે પણ લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી. કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે લોકડાઉનના પગલે ઘણા લોકો બેરોજગાર બન્યા છે. તેમજ ઘણા લોકો વેતનથી વંચિત છે. પરિણામે લોકો આર્થિક પરિસ્થિતિ સામે ઝઝૂમી રહ્યાં છે. ત્યારે આ કપરા સમયમાં સરકારે લોકોને સહાય આપવાના બદલે પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારો કર્યો છે જેથી લોકોની પરિસ્થિતિ વધુ નબળી બનશે.