- વડોદરા ગેસ લિમિટેડ દ્વારા અપગ્રેડેશનની કામગીરી 9 કલાક સુધી કરાશે
- શહેરના 38,000 જેટલા ઘરોમાં ગેસ પુરવઠો બંધ રહેશે
- તારીખ 12 સપ્ટેમ્બરના રોજ સવારે 7 વાગ્યે ગેસનો પુરવઠો યથાવત થશે
વડોદરા : ગેસ લિમિટેડ દ્વારા શહેરી વિસ્તારમાં દોઢ લાખ જેટલા ઘરોમાં પાઇપલાઇન દ્વારા ઘરગથ્થુ ગેસ પૂરો પાડવામાં આવે છે. ગેસ કંપની દ્વારા એરપોર્ટ સર્કલ પાસે ડી.આર.એસની અપગ્રેડેશનની કામગીરી શુક્રવારના રોજ કરવાની હોવાથી ગેસ પુરવઠાને મહત્તમ વિક્ષેપ ન પડે અને ગૃહિણીઓને હેરાનગતિ ભોગવવી ન પડે તે માટે રાત્રે અપગ્રેડેશન કરવામાં આવશે. આ કામગીરી તા.11 શુક્રવારના રોજ રાત્રે 10 વાગે શરૂ કરીને તા. 12ના શનિવારના રોજ સવારે 7 વાગ્યા સુધીમાં પૂરી કરવાનું લક્ષ્યાંક છે.
આ કામગીરીના કારણે શહેરના નિઝામપુરા, ટીપી 13 છાણી, સમા, અમિતનગર, હરણી વારસિયા રિંગ રોડ, આજવા રોડ, વીઆઈપી, ન્યુ વી.આઇ.પી રોડ, કપુરાઈ, મહાદેવ તળાવ સહિતના વિસ્તારોમાં ગેસ પુરવઠો ખોરવાતા ઘરોમાં ગેસના ચુલા બંધ રહેશે. 10 કલાક સુધી ગેસ બંધ રહેવાના કારણે આ તમામ વિસ્તારમાં 38 હજાર જેટલા ઘરોમાં પરિવારોને આપદા ભોગવવી પડશે.