- કૃષિ સુધારા કાયદાના વિરોધમાં ખેડૂતોનું અડીખમ આંદોલન
- વડોદરાના ખેડૂત આગેવાનને કરાયા નજરકેદ
- ઘર બહાર પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો
વડોદરાઃ સમગ્ર દેશમાં કૃષિ સુધારા કાયદાના વિરોધમાં ખેડૂતો દ્વારા દેખાવો કરવામાં આવી રહ્યો છે, ત્યારે વડોદરા શહેરમાં પણ ગત કેટલાક સમયથી ખેડૂતોના સમર્થનમાં ખેડૂત આગેવાનો આંદોલન કરી રહ્યા છે અને વિરોધાત્મક કાર્યક્રમો પણ આપી રહ્યા છે. જેથી આ આંદોલનને આગળ વધતું અટકાવવા વડોદરા શહેર પોલીસ દ્વારા માંજલપુર વિસ્તારમાં રહેતા ખેડૂત આગેવાન વિપિનચંદ્ર પટેલને નજરકેદ કરવામાં આવ્યા છે. જો કે, આ અંગે માંજલપુર પોલીસે જણાવ્યું કે, તેમણે વિપિન પટેલને નજરકેદ કર્યા નથી.
વડોદરામાં ખેડૂત આગેવાનો પર શહેર પોલીસની બાજ નજર
દેશમાં કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોના ચાલી રહેલા આંદોલનમાં વડોદરા શહેરમાં રહેતા ખેડૂત નેતા વિપિન પટેલની તમામ ગતિવિધિઓ પર પોલીસ નજર રાખી રહી છે. આ ઉપરાંત તેમણે સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. જેથી તેમના ઘરે સવારથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારમાં ખેડૂતો માટે કૃષિ બિલ પાસ કરવામાં આવ્યું છે. જેથી સમગ્ર દેશના ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી.
વિપિન પટેલે સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો
ગત કેટલાય દિવસથી કૃષિ સુધારા કાયદાના વિરોધમાં દિલ્હી ખાતે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે અને હાલમાં આંદોલન આક્રમક મુડમાં છે, ત્યારે ગુજરાતમાંથી પણ કેટલાક ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી હતી, જ્યારે વડોદરાના ખેડૂત નેતા વિપિન પટેલના ઘરની બહાર ખેડૂત આંદોલનના ભાગરૂપે પોલીસ દ્વારા તેમની તમામ ગતિવિધિઓ ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે. જેથી આ મામલે ખેડૂત નેતા વિપિન પટેલે સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.