- લગ્નનાં 3 વર્ષ બાદ પતિએ પરિણીતાને ધર્મ અંગીકાર કરી લેવા કર્યું દબાણ
- પ્રેમ સંબંધ બંધાતા 18 જુલાઈ 2018ના રોજ તોસિફ સાથે પ્રેમલગ્ન કર્યા હતા
- ફતેગંજ પોલીસ સ્ટેશનમાં સ્ત્રી અત્યાચારની કલમ લગાવી ફરીયાદ દાખલ કરાઈ
વડોદરા: શહેરના નિઝમપુરા વિસ્તારમાં રહેતી યુવતી સાથે 3 વર્ષ અગાઉ યુવકે પ્રેમ લગ્ન કર્યા હતા. છાણી જકાતનાકા પાસે રહેતી પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, અગાઉ નિઝામપુરા સ્થિત કુંભારવાડામાં રહેતા હતા ત્યારે, ઘરની સામે રહેતો તોસિફ રાણા સાથે પરિચય થયો હતો. વારંવાર બંને વચ્ચેની મુલાકાતોથી પ્રેમ સંબંધ બંધાતા પરિવારની મરજી વિરુદ્ધ 18 જુલાઈ 2018ના રોજ તોસિફ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. યુવતી 16 જુન 2019ના રોજ તોસિફ સાથે પલાયન થઇને ટુંડાવ ખાતે ઘરસંસાર માંડયો હતો. ચાર માસ બાદ નવયુગલ પરત નિઝામપુરા સ્થિત નવદીપ એપાર્ટમેન્ટમાં રહેવા આવી ગયા હતા.
ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ 4ની કલમ મુજબ ફરીયાદ
પતિ ધર્મ અંગીકાર કરી લેવા પરિણીતાને વારંવાર દબાણ કરતો હતો. વશ ન થતી પરિણિતાને બિભત્સ ગાળો આપીને ભેદભાવ રાખતો હતો અને મારઝુડ કરીને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વિધર્મી પતિના વર્તનથી ત્રાહિમામ પોકારી ગયેલી પરિણીતા આખરે કાનૂની શરણ લીધુ હતું. પિયરમાં આવીને માતા પિતાને જાણ કર્યા બાદ પતિ વિરુદ્ધ સ્ત્રી અત્યાચારનો ગુનો નોંધાવ્યો હતો. ફતેગંજ પોલીસ સ્ટેશનમાં સ્ત્રી અત્યાચાર અને ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ 4ની કલમ લગાવી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.