- પાદરાની શાળામાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ
- ધારાસભ્યે વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું
- લાંબા સમય બાદ શાળાઓ ખુલતાં વિદ્યાર્થીમાં ખુશીનો માહોલ
વડોદરાઃ દેશભરમાં હાહાકાર મચાવનાર વૈશ્વિક કોરોના મહામારીને કારણે છેલ્લાં 10 મહિનાથી બંધ કરવામાં આવેલી સ્કૂલો અને કોલેજો 297 દિવસ બાદ ખોલવાનો નિર્ણય લેવાતાં આજથી રાજ્યભરમાં શાળા અને કોલેજોમાં શૈક્ષણિક કાર્યની શરૂઆત કરવામાં આવી હતી. હાલમાં એક બેંચ પર માત્ર એક જ વિદ્યાર્થીને બેસવાની વ્યવસ્થા કરાઈ છે.
પાદરાની ડી. ડી. પટેલ શારદા ઈંગ્લિશ સ્કૂલમાં કોવિડ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન
રાજ્યના શિક્ષણવિભાગ દ્વારા આજથી સ્કૂલો અને કોલેજો શરૂ કરવામાં આવી છે. સ્કૂલોમાં ધોરણ 10 - 12 ના જ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યાં છે અને સરકારની કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા આદેશ આપ્યો છે. ત્યારે પાદરા ખાતે આવેલી ડી.ડી પટેલ શારદા ઈંગ્લિશ સ્કૂલમાં પણ પાદરાના ધારાસભ્ય જસપાલસિંહ પઢીયારની ઉપસ્થિતિમાં 2020-21ના શૈક્ષણિક કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કોરોનાને ધ્યાનમાં રાખી સોશિયલ ડિસ્ટન્સિંગ તેમ જ માસ્ક સહિત સરકારી ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું હતું. 10 મહિના બાદ વિદ્યાર્થીઓ શાળામાં આવતા આનંદની લાગણી અનુભવી સારી રીતે અભ્યાસ કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.