- સોખડાના પ.પૂ. સંત હરિપ્રસાદ સ્વામીજી અક્ષરનિવાસી પામ્યા
- સ્વામિનારાયણ મંદિર ખાતે નશ્વરદેહને લાવવામાં આવ્યો
- હજારો હરિભક્તો ઘેરા શોકમાં ગરકાવ બન્યા
વડોદરા : હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા છે. 88 વર્ષીય હરિપ્રસાદ સ્વામી ભાઈલાલ અમીન હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસથી સારવાર હેઠળ હતા. સોમવારે રાત્રે 11 વાગ્યાના અરસામાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી મહારાજના અક્ષરધામ ગમનથી હરિભક્તોમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. વડોદરા નજીકના સાવલી તાલુકાના આસોદર ગામે રહેતા ગોપાલ દાસના ઘરે 23 મે 1934ના રોજ પ્રભુદાસનો જન્મ થયો હતો. માતા કાશીબા અને પિતા ગોપાલદાસ પહેલાથી જ ધર્મ અને ભક્તિમાં માનનારા હતા.
આ પણ વાંચો: હરીધામ સોખડાના હરિપ્રસાદ સ્વામીજી 88 વર્ષની વયે અક્ષર નિવાસી થયા, મુખ્યપ્રધાને શ્રદ્ધાંજલી પાઠવી
તંત્ર દ્વારા તેમનું રૂટીન ચેકપ
1965માં વિજ્યાદશમીના દિવસે પ્રભુદાસને યોગીબાપા દ્વારા સાધુ હરિપ્રસાદ નામ આપવામાં આવ્યું હતું. સોખડા હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થતા ભક્તો નિરાશા અનુભવી રહ્યા છે. હરિપ્રસાદ સ્વામીજીની ઘણા વખતથી તબિયત નાદુરસ્ત રહેતી હતી. તેમનું સ્વાસ્થ્ય જળવાઇ રહે તે માટે તંત્ર દ્વારા તેમનું રૂટીન ચેકપ પણ કરાવવામાં આવતું હતું. સોમવારે સાંજે વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં તેમને લાવવામાં આવ્યા હતા. જ્યાં રાત્રે તેમની તબિયત લથડતા સારવાર શરૂ કરાઇ હતી. જોકે મોડી રાત્રે 11 વાગ્યે સ્વામીજીએ નશ્વર દેહ છોડયો હતો.
1લી ઓગસ્ટે અંતિમ સંસ્કારની વિધિ
પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના પાર્થિવ દેહને વડોદરા ભાઈલાલ અમીન હોસ્પિટલથી સોખડા સુધી લઈ જવાના હોવાથી હોસ્પિટલની બહારથી લઈને સોખડા મંદિર સુધી હરિભક્તો શિસ્તબદ્ધ રીતે પુષ્પ લઈને લાઈનોમાં ઉભા થઇ ગયા હતા. મંદિરના મુખ્ય દરવાજા સુધી 1.5 કિલોમીટર સુધી ગુલાબના ફૂલોની પાંખડીઓથી હરિભક્તો દ્વારા માર્ગ તૈયાર કરવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ જ્યાં જુઓ ત્યાં હરિભક્તો નજરે પડતા હતા. હરિભક્તો શિસ્તબદ્ધ રીતે સ્વામીજીના અંતિમ દર્શન કરતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: સોખડા હરિધામના Hariprasad swami અક્ષરધામમાં બીરાજી ગયાં, ભાઇલાલ અમીન હોસ્પિટલમાં હતાં દાખલ
હજારોની સંખ્યામાં હરિભક્તો ઉમટ્યા
સોખડામાં હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ દર્શન માટે હજારોની સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા. મોટી સંખ્યામાં મહિલાઓ મંદિર બહાર રડતા જોવા મળી હતી. એક હરિભક્ત મહિલાએ કહ્યું હતું કે, અમારા માતા-પિતા કરતાં સવાયા તેઓ અમારા ભગવાન જેવા હતા. તેમણે માત્ર દેહ છોડ્યો છે, પરંતુ તેઓ હંમેશા અમારી સાથે જ છે. હાલ તો સોખડા સ્વામિનારાયણ મંદિર ખાતે મંગળવાર 27 જુલાઈથી શનિવાર 31 જુલાઈ સુધી અંતિમ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે, રવિવારે 1લી ઓગસ્ટના દિવસે અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવશે. હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ દર્શન માટે દેશ-વિદેશથી હજારો ભક્તો દર્શન કરવા માટે આવનાર છે. જેની માટે પ્રદેશ પ્રમાણે દર્શન માટેનો દિવસ અને સમય નક્કી કરવામાં આવ્યો છે.