વડોદરાઃ વડોદરામાં હત્યાના ગુનામાં સંડોવાયેલો શખ્સ જામીન પર બહાર આવતાં ઓડી કારમાં રેલી યોજી તેના ઘરે પહોંચતો હોય તેવો વીડિયો વાઇરલ થયો છે. ઉલ્લેખનીય છે કે, હત્યાના ગુનામાં સંડોવાયેલા સુરજ કહારનો સેન્ટ્રલ જેલમાં જતા સમયે પણ સંજય દત્તની સ્ટાઇલમાં બનાવેલો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.
23 ફેબ્રુઆરીની સાંજે વાઘોડીયા રોડ કલાદર્શન ચાર રસ્તા પાસે ઇકો કારને ઓવરટેક કરવાના મામલે 6 જેટલા શબ્સોએ કેવલ ઉર્ફે દેવલ જાદવને મુંઢ માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ મામલે પાણીગેટ પોલીસે હત્યાનો ગુનો નોંધી સુરજ કહાર સહીત 6 શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસે તમામના રિમાન્ડ મેળવ્યા બાદ ગુનેગારોને સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યા હતા. જોકે માથાભારે સુરજ કહાર સેન્ટ્રલ જેલમાં એન્ટ્રી લેતા સમયે તેના સાગરીતોએ વીડિયો શૂટ કરી વાઈરલ કર્યો હતો.
અંદાજીત ત્રણ દિવસ પહેલા હત્યાના ગુનામાં સંડોવાયેલા સુરજ કહારને જામીન મળતા તે સેન્ટ્રલ જેલમાંથી બહાર આવ્યો હતો. ત્યારે પણ તેના સાગરીતો તેને લેવા માટે જેલ પહોંચ્યાં હતા અને ઓડીમાં બેસી સુરજ કહાર બેખોફ બની સેન્ટ્રલ જેલથી રાવપુરા અને ત્યારબાદ વારસિયા સ્થિત પોતાના નિવાસ સ્થાને રેલી યોજીને પહોંચ્યો હતો. જો કે સિઝનલ ગુનેગાર સુરજ કહારના ટિકટોકથી લઇને રેલીના તમામ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. તથા આ વિડિઓ શહેર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ પાસે પણ પહોંચતા સુરજ વડોદરા છોડી ભાગી છુટ્યો હોવાનું જાણવા મળ્યું છે.
નોંધનીય છે કે, જો આજ રીતે ગુનેગારો જાહેરમાં રેલી અથવા સરઘસ કાઢી જાહેરમાં ફરશે તો ચોક્કસ પણે આ શહેર પોલીસ માટે ખૂબ જ શર્મજનક બાબત કહેવાશે. જેથી આ પ્રકારની ગુનાહિત માનસિકતા ધરાવતા શખ્સો સામે પોલીસે આકરી કાર્યવાહી કરવાનું જરૂરી બન્યું છે.