- વડોદરામાં કોરોના વેક્સિનને લઇને કામગીરી શરૂ
- જિલ્લામાં 1,310 ટીમ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરાઈ
- ડોર ટુ ડોર સર્વે કરી યાદી સરકારને સોંપવામાં આવશે
વડોદરાઃ કોવિડ-19ની વેક્સિનને લઇને આજે ગુરુવારથી સમગ્ર રાજ્યમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે સર્વેમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 50 વર્ષથી ઉપરના તેમજ નીચેના મતદારોની યાદી તૈયાર કરવામાં આવશે. આ સર્વે 13 ડિસેમ્બર સુધી પૂર્ણ કરી યાદી ઓનલાઇન અપલોડ કરવામાં આવશે. જે માટે વડોદરા જિલ્લામાં ચૂંટણી બૂથના આધારે કુલ 1,310 ટીમો બનાવવામાં આવી છે. આ યાદીના આધારે સરકાર દ્વારા વેક્સિન આપવાની કામગીરીનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
જિલ્લામાં વેક્સિન આપવા 900થી વધારે બૂથ ઉભાં કરાશે
કેન્દ્ર સરકાર દ્વારા ટુંક સમયમાં કોરોના વેક્સિનની જાહેરાત કરવામાં આવશે, ત્યારે આગામી દિવસોમાં રાજ્ય સરકારને વેક્સિન મળ્યા બાદની કામગીરીનો પ્લાન તૈયાર કરવા માટે હાલમાં સરકાર દ્વારા કામગીરીની તૈયારી શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લા કલેક્ટરને આદેશ આપી જિલ્લાની વિગતો માગવામાં આવી છે. જે બાબતે વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં વેક્સિન આવ્યા બાદ શું કરવું તે અંગે હાલ કોઇ જ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ તે પહેલા હાલ આંકડા એકઠા કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
10,459 ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સની પ્રથમ યાદી સરકારને સોંપવામાં આવી
વડોદરા જિલ્લાના ખાનગી અને સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સની પહેલી યાદી સરકારમાં મોકલી આપવામાં આવી છે. સરકારની સૂચના અનુસાર ગુરુવારથી જિલ્લામાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં 50 વર્ષથી ઉપરના તેમજ નીચેના લોકોના વિવિધ ફોર્મ ભરવામાં આવશે. જેની ડેટા એન્ટ્રી કરી 13 ડિસેમ્બર સુધીમાં સરકારને સુપ્રત કરવામાં આવશે છે. આ યાદીમાં 50 વર્ષથી નીચેના લોકોમાં હૃદયની બીમારી, કેન્સર, થેલીસીમીયા, સીકલસેલ, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ તેમજ અન્ય ક્રોનીક રોગ ધરાવતા લોકોની યાદી અલાયદી તૈયાર કરવામાં આવશે. આ યાદી પણ 13 ડિસેમ્બર સુધીમાં સરકારને મોકલી દેવામાં આવશે. જે માટે વડોદરા જિલ્લામાં 2-2 સભ્યોની કુલ 1,310 ટીમો કાર્યરત કરવામાં આવી છે. આ ટીમ ચૂંટણી બૂથના આધારે તૈયાર કરવામાં આવી છે. જેમને જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ રેવન્યુ અધિકારીઓ દ્વારા ખાસ ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી. આ ટ્રેનિંગના આધારે આ ટીમ ડોર ટુ ડોર સર્વે કરીને ડેટા એન્ટ્રી કરી રહી છે.