વડોદરાઃ શહેરમાં એક સપ્તાહ પૂર્વે ઓટો રીક્ષામાં મુસાફરો બેસાડવા બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં એક રીક્ષા ચાલકે બીજા રીક્ષા ચાલકના ગળામાં ચાકૂથી હુમલો કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા રિક્ષા ચાલકને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલી શિવનગર સોસાયટીમાં રહેતો હાર્દિક ઉર્ફ લાલા નાજાભાઇ ભરવાડ અને આજવા રોડ બહાર કોલોનીમાં રહેતો સરફરાજ મયુદ્દીન બચારવાલા ઓટો રિક્ષા ચલાવે છે. એક અઠવાડિયા પહેલા બંને વચ્ચે રીક્ષામાં મુસાફરો બેસાડવા બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવતમાં મંગળવારે સવારે બંને વચ્ચે આજવા રોડ પાસે ઝઘડો થયો હતો. સવારે હાર્દિક ઉર્ફ લાલા ભરવાડ પોતાની રીક્ષા લઇને આજવા રોડ ખાતે આવી પહોંચ્યો હતો. તે સમયે સરફરાજ બચારવાલા પણ હાજર હતો. મુસાફરો બાબતે જોતજોતામાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઇ હતી.
આ દરમિયાન સરફરાજે પોતાના ખિસ્સામાંથી ચાકુ કાઢીને હાર્દિક ઉર્ફ લાલાના ગળામાં મારી જીવલેણ હુમલો કર્યો હતો. બાદમાં ઘટનાસ્થળ પરથી તે પોતાની ઓટો રીક્ષા લઇને ફરાર થઇ ગયો હતો. આ ઘટના અંગે તેઓના મિત્રોને જાણ થતાં દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત હાર્દિકને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
રીક્ષા ચાલક હાર્દિક ઉપર થયેલા હુમલાના આગામી દિવસોમાં ઘેરા પ્રત્યાઘાત પડે તેવા એંધાણ છે. હાર્દિક ઉર્ફ લાલાને ગંભીર ઇજા પહોંચી હોવાની જાણ તેના મિત્રોને થતાં સયાજી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. બીજી બાજુ આ બનાવ અંગે બાપોદ પોલીસ મથકમાં ઇજાગ્રસ્તના પિતા નાજાભાઇ ભરવાડે નોંધાવેલી ફરિયાદના આધારે હુમલાખોર સામે સરફરાજ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ PI વી.પી. ચૌહાણ કરી રહ્યા છે.