- દૂધ ઉત્પાદકોના હિત માટે જિલ્લાના ધારાસભ્યો અને ડેરીના સત્તાધીશો આમને સામને
- વાઘોડિયા, ડભોઇ અને કરજણના ધારાસભ્યો સાથે કેતન ઇનામદારે કરી બેઠક
- ભાવફેર નહીં વધારવામાં આવે તો ગુરુવારે ડેરી ખાતે હલ્લાબોલ કરવા ઉચ્ચારી ચીમકી
વડોદરા: વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના દૂધ ઉત્પાદકોને બરોડા ડેરી દ્વારા ભાવ વધારો આપવા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે અવાજ ઉઠાવીને ડેરીના પ્રમુખ દિનુમામા સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. ત્યારે વડોદરા જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજાએ બને વચ્ચે સમાધાન કરાવ્યું હતું. તે દરમ્યાન દૂધ ઉત્પાદકોને ભાવ વધારો આપવાની બાંહેધરી આપવામાં આવી હતી. તેમ છતાં પણ દૂધ ઉત્પાદકોને ભાવ વધારો નહીં અપાતા ધારાસભ્ય કેતન ઇનામદારે ફરી બગાવતનું રણશિંગુ ફુક્યું છે. ત્યારે સર્કિટ હાઉસ ખાતે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા અને સાવલીના ધારાસભ્ય કેતન ઇનમદારની બેઠક મળી હતી. તે દરમ્યાન ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પણ કેતન ઇનમદારને સમર્થન આપ્યું હતું.
અન્યાય થયો છે, તેથી જ આંદોલન થયું છે
વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ બાદ સર્કિટ હાઉસ ખાતે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા પણ પહોંચ્યા હતા. શૈલેષ મહેતાએ મીડિયાને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, સાવલીના ધારાસભ્યએ અવાજ ઉઠાવ્યા બાદ ભાજપના આગેવાનોએ સમાધાન કરાવ્યું હતું. જે-તે વખતે ભાવફેરની બાંહેધરી આપી હતી, જે પૂર્ણ થઇ નથી. ત્યારે આજે ધારાસભ્ય તરીકે કેતન ઇનામદારના આહવાને એકત્ર થયાં છે. સાથે જ તેમણે ઉમેર્યું હતું કે, અન્યાય થયો છે. તેથી જ આંદોલન થયું છે. પશુ પાલકોના હિતની વાત છે. તેઓ લડતમાં સંપૂર્ણ સાથ-સહકાર આપે છે.
રજૂઆતોનું કોઈ નિરાકરણ નહી
બરોડા ડેરીના સત્તાધીશો સામે બાંયો ચઢાવનાર સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું હતું કે વાઘોડિયા, ડભોઇ અને કરજણના ધારાસભ્યો તેમની સાથે છે અને પશુપાલકોના હિતમાં તેઓ સાથે મળીને લડશે. આ સાથે કેતન ઇનામદારે જો ભાવ-ફેરની જાહેરાત નહિ થાય તો બરોડા ડેરી ખાતે ગુરુવારે હલ્લાબોલ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ દરમ્યાન વડોદરા જિલ્લાના દૂધ ઉત્પાદકોના પ્રતિનિધિ પણ હાજર રહ્યા હતા અને ભાવફેર માટે રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા આંદોલન કરવું પડ્યું હોવાનું જણાવ્યું હતું.