વડોદરા: 1 જૂનથી શરૂ થનારી ટ્રેનો માટે વડોદરા રેલવે સ્ટેશન ઉપર આજથી એડવાન્સ ટિકિટ બુકિંગ માટેના 2 કાઉન્ટર શરૂ કરવામાં આવ્યાં છે. જેમાં રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, દિલ્હી, મુંબઈ અને પશ્ચિમ બંગાળની ટ્રેનનું એડવાન્સ બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે.
રેલવે સ્ટેશન પર ટિકિટ બુકિંગ વખતે સોશિયલ ડિસ્ટન્સિંગનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. હવે ઇન્ટરનેટ અને કોમ્પ્યુટરથી વંચિત લોકો પણ ટ્રેનોનું બુકિંગ કરાવી શકશે. આજથી પશ્ચિમ રેલવેના 41 રિઝર્વેશન કાઉન્ટરો ખોલવામાં આવ્યા છે. જેમાં વડોદરા ડિવિઝનના 6 સ્ટેશનો પર આ સુવિધા મળશે.
1 જૂનથી ઉપડનારી ટ્રેનોની ટિકિટોના બુકિંગ માટે વડોદરા સ્ટેશન પર ભરૂચ, નડિયાદ, અંકલેશ્વર, ગોધરા, આણંદ અને સ્ટાફ કોલેજ પ્રત્યેકમાં એક-એક કાઉન્ટર રાખવામાં આવેલા છે. રિફંડ અને કેન્સલેશનની સુવિધા હાલમાં બંધ છે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું તથા અન્ય પ્રોટોકોલનું પાલન કરાશે.