વડોદરાઃ કોરોના વાઇરસના કારણે લાદવામાં આવેલા લોકડાઉનના કારણે અનેક લોકો ક્યાંકને ક્યાંક ફસાયા છે. જેથી તંત્ર આવા લોકોને પોતાના વતન અથવા ઘરે મોકલવાના પ્રયાસ કરી રહ્યું છે. વડોદરાની M.S. યુનિવર્સિટીમાં પણ લદ્દાખના 17 જેટલા વિદ્યાર્થીઓ ફસાયા હતા. જેથી તેને વહીવટી તંત્રએ યુનિવર્સિટી અને લદ્દાખના પ્રશાસન સાથે સંકલન સાધી બસના માધ્મથી પોતાના વતન મોકલાયા છે. આ તમામ વિદ્યાર્થીઓને રાજ્ય સરકારે નિયુક્ત કરેલા ઓફિસરની મદદથી પોતાના વતન પરત મોકલવામાં આવ્યા છે.
આ અંગે શહેરના નોડલ અધિકારી અને નાયબ કલેક્ટરે જણાવ્યું હતું કે, યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ પોતાના વતન જઈ શકે તે માટે યોગ્ય વ્યવસ્થા કરી આપવા વિનંતી કરવામાં આવી હતી. જેથી તંત્રએ લદ્દાખ તંત્રનો સંપર્ક કરી વિદ્યાર્થીઓની જવાની વ્યવસ્થા કરી છે.
લદ્દાખના એક વિદ્યાર્થીએ કહ્યું કે, લોકડાઉન દરમિયાન અમારે કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી. કેમ્પસમાં અમારી કાળજી લેવામાં આવી હતી. આ માટે હું યુનિવર્સિટીનો આભાર માનું છું.
M.S. યુનિવર્સિટીમાં આર્ટસ ફેકલ્ટીમાં અભ્યાસ કરનારી એક વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, કેમ્પસમાં અમને ખૂબ સલામતીથી રાખવામાં આવ્યા અને અમને ખૂબ સારી સુવિધાઓ આપી હતી. જે બદલ હું દિલથી આભાર વ્યક્ત કરૂં છું.