- આજે વર્લ્ડ બ્લડ ડોનર દિવસ
- સુરતના અનોખા ડોનરે 174 વખત રક્તદાન કર્યું
- 200 વખત બ્લડ ડોનેટ કરવાની ઈચ્છા ધરાવે છે આ ડોનર
સુરત : આજે વર્લ્ડ બ્લડ ડોનર દિવસ છે. ત્યારે ગુજરાતમાં ગણતરીના એવા લોકો છે કે તેમણે પોતાના જીવનકાળમાં સૌથી વધુ વખત બ્લડ ડોનેશન કરી લોકોને નવજીવન આપ્યું છે. એવા જ એક બ્લડ ડોનર સુરત ખાતે રહે છે તેઓ પોતે ડોક્ટર છે અને જાણે છે કે કટોકટીમાં જ્યારે લોહીની જરૂરિયાત દર્દી ને હોય તો શું સ્થિતિ સર્જાય છે. તેમણે અત્યાર સુધીમાં 174 વખત બ્લડ ડોનેશન કરી માનવતા મહેકાવી છે. ડોક્ટર પ્રફુલ્લ શિરોયા આટલી વખત બ્લડ ડોનેશન કરીને પણ સંતોષ પામ્યા નથી. તેઓએ જીવનમાં ટાર્ગેટ રાખ્યો છે કે, પોતાના જીવનમાં તેઓ 200થી વધુ વખત બ્લડ ડોનેશન કરી લોકોના જીવ બચાવવામાં મદદ કરશે.
આ પણ વાંચો:અમદાવાદઃ રેડક્રોસના સહયોગથી ગુરૂકૃપા ફાઉન્ડેશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
રક્ત દાન માટે પ્રેરણા તેમને કોલેજ સમયથી મળી છે
રેડ ક્રોસ સોસાયટી સુરતના પ્રમુખ ડો.પ્રફુલ્લ શિરોયાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં હું 174 વખત રક્તદાન કરી ચુક્યો છું. રક્ત દાન માટે પ્રેરણા મને ત્યારે થઈ જ્યારે હું મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો હતો. ત્યારે અનેક વાર હોસ્પિટલમાં જવાનું થતું અને ગરીબ લોકો હોસ્પિટલમાં સારવાર લેવા આવતા હતા. તેઓને લોહીની જરૂરત પડતી અને લોહી નહિ મળવાને કારણે તેમનું મૃત્યુ પણ થઈ જતું . ત્યારે અમારું હદય દ્રવી ઉઠતું હતું. ત્યારે મેં અને મારા 25 જેટલા મિત્રોએ તેમના માટે રક્તદાન કરવું જોઈએ એ વિચાર કરી રક્તદાનની શરૂઆત કરી હતી.
આ પણ વાંચો:જામનગરના અનોખા બ્લડ ડોનર જેમને 119 વખત કર્યું બ્લડ ડોનેશન
સ્વૈચ્છિક રીતે લોકો આગળ આવી રક્તદાન કરે
જીવનમાં ટાર્ગેટ ઘણા બધા હોય છે. પરંતુ જ્યારે રક્તદાનની વાત કરું ત્યારે મેં 174 વખત બ્લડ ડોનેશન કર્યું છે અને ત્યાર પછી પણ બે સેન્ચ્યુરી પૂરી કરવા માટે હજુ મારે 25 વાર ડોનેશન કરવાનું છે. બે સેન્ચ્યુરી પૂર્ણ કરવા માટે 25 વખત કદાચ હોલ બ્લડ ડોનેશન ન કરી શકું તો SDP આપું તો આ 200 વખત રક્તદાન થઈ જશે. એવી ભગવાનને પ્રાર્થના કરું છું કે, દરેક વ્યક્તિ રક્તદાન કરી જરૂરિયાતમંદ દર્દીઓને લોહીની જરૂરીયાત હોય છે ત્યારે સ્વૈચ્છિક રીતે લોકો આગળ આવી રક્તદાન કરે કારણ કે રક્તદાન જેવું મોટું કોઈ દાન નથી.