સુરત: ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનના પર્વ નજીક આવી રહ્યો છે, પરંતુ કોરોના મહામારીને કારણે બજારમાં જોઈએ તેવી રોનક જોવા મળી રહી નથી. કોરોના સંક્રમણ દરમિયાન પણ વેપારીઓ અવનવી રાખડીઓ સાથે બજારમાં આવ્યા છે.
કોરોના વાઇરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને આ વખતે પોકેટ સાઈઝની સેનિટાઈઝ બોટલ રાખડી પર જોવા મળી રહી છે. જ્યારે માસ્ક પણ રાખડી પર લગાવવામાં આવ્યા છે. જેથી બહેન ભાઈને રાખડી બાંધી કોરોનાકાળમાં રક્ષણ કરવાનો સંદેશ આપી શકે.
આપદાને અવસરમાં કેવી રીતે બદલી શકાય, એ સુરતીઓ ખૂબ જ સારી રીતે જાણે છે. હાલ રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખી અવનવી રાખડીઓ બજારમાં ઉપલ્બ્ધ છે, પરંતુ દર વર્ષે ખરીદીનો બજારમાં ઉત્સાહ જોવા મળતો હતો એ ઉત્સાહ કોરોના સંક્રમણને કારણે આ વર્ષે નથી. જેથી સુરતની રાખડી ડિઝાઇનર બિન્નીએ ખાસ રાખડી ડિઝાઇન કરી છે.
આ રાખડીની ખાસિયત એ છે કે, આ રાખડી પર ડિઝાઇનર ફુલ અથવા તો અન્ય વસ્તુઓની જગ્યાએ પોકેટ સાઈઝ સેનિટાઈઝર લગાડવામાં આવ્યા છે, એટલું જ નહીં બીજી રાખડી પર માસ્ક પણ લગાવવામાં આવ્યા છે. કોરોનાકાળમાં લોકોને આકર્ષિત કરવા રાખડીની ડીઝાઈન બનાવવામાં આવી છે. જે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઈ છે.
બિન્ની જૈન જણાવે છે કે, આ ખાસ રાખડી કોરોના કાળમાં રક્ષણ આપવાના મેસેજ સાથે તૈયાર કરવામાં આવી છે. રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખી આ ડિઝાઇનર રાખડી તૈયાર કરાઈ છે. જેમાંથી સહેલાઈથી સેનિટાઈઝર અને માસ્ક કાઢી શકાય છે અને તેનો ઉપયોગ કરી શકાય છે. પોકેટ સાઈઝ સેનેટાઈઝર બે દિવસ સુધી ચાલે છે.
આ રાખડીની કિંમત 30થી 40 રૂપિયા છે. હાલ બજારમાં રાખડીની ડિમાન્ડ વધી છે. કારણ કે, હાલ કોરોના વાઇરસથી આ બંને વસ્તુઓ રક્ષણ આપે છે અને મોબાઈલની જેમ તે પણ જીવનમાં જરૂરી બની ગયા છે.
આ સેનિટાઈઝર અને માસ્ક રાખડી બહેનો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. દર વર્ષે બહેનો ખાસ ડિઝાઇનની રાખડી પસંદ કરી ભાઈની કલાઈ પર બાંધતી હોય છે, પરંતુ આ વખતે બહેનોની પહેલી પસંદ સેનિટાઇઝર પોકેટ સાઈઝ બોટલ અને માસ્ક વાળી રાખડી બની ગઈ છે.