- સુરતમાં મોડી રાતથી જ વીજળીના કડાકા સાથે પડ્યો વરસાદ
- રાતથી જ શરૂ થયેલો વરસાદ સવાર સુધી યથાવત્ રહ્યો હતો
- પર્વત ગામ પાસે રોડ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પર પડી અસર
સુરતઃ હવામાન વિભાગની આગાહી મુજબ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. શહેરની વાત કરીએ તો, અહીં મોડી રાતથી જ વરસાદી માહોલ જામ્યો હતો. શહેરમાં રાત્રે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ સવાર સુધી યથાવત્ રહ્યો હતો. આના કારણે શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. બીજી તરફ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી. વરસાદના કારણે સવારે નોકરી ધંધે જતા તેમ જ સ્કૂલે જતા વિદ્યાર્થીઓ અટવાયા હતા. શહેરના પર્વત ગામ પાસે રોડ પર પાણી ફરી વળતા વાહનવ્યવહારને અસર પડી હતી. અહીં રસ્તા પર પાણી ભરાઈ જતા વાહનચાલકોને મુશ્કેલીમાં મુકાયા હતા.
ઉકાઈ ડેમની સપાટી 342 ફૂટ સુધી પહોંચી
ધોધમાર વરસાદના કારણે અનેક જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. બીજી તરફ ઉકાઈ ડેમની સપાટીમાં પણ વધારો થયો છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. જયારે હાલમાં ઉકાઈ ડેમની સપાટી 342 ફૂટ સુધી પહોંચી ગઈ છે. ડેમમાં પાણીની આવક 53,000 ક્યુસેક નોંધાઈ છે. તો અત્યારે ડેમમાંથી 1,100 કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
કોઝ-વેની સપાટી 6.62 મીટરે પહોંચી
શહેરમાં આવેલા અને રાંદેર કતારગામને જોડતા વિયરકમ કોઝ-વે પણ ઓવરફલો થયો છે. તેની સપાટી 6 મીટરને પારી કરીને 6.62 મીટર પહોંચી છે. કોઝ-વે ઓવરફલો થતા વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.
ભારે ટ્રાફિકજામના દ્રશ્યો
તો ભારે વરસાદના કારણે જિલ્લામાં આવેલા કડોદરા હાઈ-વે પર ભારે ટ્રાફિકજામ થયો હતો. અહી લાંબી વાહનોની કતારો પણ જોવા મળી હતી. લોકો કલાકો સુધી ટ્રાફિકજામમાં ફસાયા હોવાનું પણ જાણવા મળ્યું હતું. આ ટ્રાફિકજામમાં એમ્બુલન્સ પણ ફસાઈ હતી.
આ પણ વાંચો- પાટણમાં ભારે વરસાદના કારણે રાજકાવાડાથી ખાન સરોવર સુધીના રસ્તા ધોવાયા, બિસ્માર રસ્તાઓના કારણે સ્થાનિકોમાં રોષ
આ પણ વાંચો- દમણગંગા નદીમાં આવ્યું મધુબન ડેમનું 1.79 લાખ ક્યુસેક પાણી, કાંઠા વિસ્તારના 7 ગામમાં એલર્ટ