- બ્રોટડેડ અને દામા ડિસ્ચાર્જ લખીને સ્મિમેર રિફર કરી
- સિવિલ હોસ્પિટલમાં અડધો કલાક સારવાર મોત
- કિરણ હોસ્પિટલની એક મોટી બેદરકારી સામે આવી
સુરત : કતારગામની કિરણ હોસ્પિટલની એક મોટી બેદરકારી સામે આવી છે. બે વર્ષની જીવિત બાળકી આર્મીને બ્રોટડેડ લખી સ્મિમેરમાં દામા ડિસ્ચાર્જ કરી દેવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. જ્યારે બાળકીની સિવિલ હોસ્પિટલમાં અડધો કલાક સારવાર કરવામાં આવ્યા બાદ બાળકીનું મોત થયું હતું.
ડૉક્ટર્સે કેસ પેપર પર બ્રોટડેડ અને દામા ડિસ્ચાર્જ લખીને સ્મિમેર રિફર કરી
કતારગામના શાસ્ત્રીનગર ખાતે રહેતા અરવિન્દભાઈ પાંડવની બે વર્ષની પુત્રી આર્મી 19 ડિસેમ્બરના રોજ ઘરમાં દાદરા પરથી પટકાઈ હતી. જેમાં ગંભીર રીતે ઘવાયેલી આર્મીને કિરણ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. રાત્રે 10 કલાકે ડૉક્ટર્સે કેસ પેપર પર બ્રોટડેડ અને દામા ડિસ્ચાર્જ લખીને સ્મિમેર રિફર કરી દીધી હતી, પણ પરિવારના સભ્યો તેને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ ગયા હતા. જ્યાં રાત્રે 11:20 કલાકે સિવિલ મેડિકલ ઓફિસરે બાળકીની તપાસ કરતા તે જીવીત હતી.
કિરણ હોસ્પિટલની બેદરકારીએ લીધો માસૂમનો ભોગ
જે બાદ આર્મીની સારવાર શરૂ કરવામાં આવી હતી. જેમાં વેન્ટિલેટર પર સારવાર દરમિયાન રાત્રે 11:50 કલાકે માસૂમ આર્મીનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં બાળકીના પિતાએ કિરણ હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, કિરણ હોસ્પિટલની બેદરકારીને કારણે આર્મીનું મોત થયું છે.