- બે તસ્કરોએ ATMના ચેક ડ્રોપ બોક્ષમાંથી ચેકની ચોરી કરી
- ચોરીની સમગ્ર ઘટના CCTVમાં કેદ
- પોલીસ અને ATM સિક્યુરિટી સામે ઉઠ્યા સવાલ
સુરત : શહેરમાં તસ્કરો એટલી હદે બેફામ બન્યા છે કે, હવે બેંકના ATMને પણ નિશાન બનાવી રહ્યા છે. આવી જ એક વધુ ઘટના પ્રકાશમાં આવી છે. સુરતના પુણા કુંભારિયા રોડ પર બેંકનું ATM આવેલું છે. આ ATM રૂમમાં ચોરીની ઘટના સામે આવી છે. બે અજાણ્યા તસ્કરોએ સૌ પ્રથમ રેકી કરીને બે પૈકીના એક શખ્સે ATM રૂમમાં પ્રવેશ કરીને ચેક ડ્રોપ બોક્ષમાં રહેલા ચેકની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા.
ચોરીની ઘટના CCTVમાં કેદ
ચોરીની આ ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. જેમાં એક શખ્સ ATM મશીન રૂમમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપતો નજરે ચડે છે. આ ઘટના બાદ અડાજણ ખાતે રહેતા બેંકના મેનેજર પ્રવેશચંદ્ર સુરશચંદ્ર તિવારીએ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પુણા પોલીસે હાલ આ મામલે ગુનો નોંધી તેમજ સીસીટીવી ફૂટેજ કબજે કરી આરોપીને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.
ATMની સિક્યુરીટી અને પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલ
પુણા કુંભારિયા રોડ પર આવેલા બેંકના ATM રૂમમાં તસ્કરોએ ઠંડે કલેજે સવારના 7 કલાકેની આસપાસ આવી રેકી કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. તસ્કરોએ ATMને નિશાન બનાવવાની જગ્યાએ ચેકોની ચોરી કરી છે. જેને લઈને પણ સવાલ ઉભા થઇ રહ્યા છે, જે હિસાબે તસ્કરોએ ચોરી કરી છે. તેને લઈને ATMની સિક્યુરીટી અને પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા થઇ રહ્યા છે.