સુરતઃ ક્રાઇમ બ્રાન્ચે 1.33 કરોડના ડ્રગ્સ પ્રકરણ મામલે વધુ બે આરોપીઓની મુંબઈ થી ધરપકડ કરી છે. એમડી ડ્રગ્સમાં અગાઉ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જ્યાં હમણાં સુધી ક્રાઇમ બ્રાન્ચ ડ્રગ્સ પ્રકરણમાં કુલ દસ આરોપીઓની ધરપકડ કરી ચુકી છે.
ક્રાઇમ બ્રાન્ચે મુંબઈથી વિરામન ઉર્ફે અન્ના અને પ્રવીણ મહારાત્રેની ધરપકડ છે. અગાઉ શ્રીમંત પરિવારથી આવતા આદિલ નુરાની નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. જે હાલ પણ પાંચ દિવસના રિમાન્ડ પર છે. અગાઉ ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન મુંબઈના બે શખ્સોના નામો બહાર આવ્યા હતા.
વાપી થી મનોજ ભગતને ઝડપી પાડી પૂછપરછ કરતા આ નામો બહાર આવ્યા હતા. મુંબઈના બંને આરોપીઓએ મનોજ ભગત મારફતે સલમાનનો પણ સંપર્ક કર્યો હતો. મુંબઈ થી ડ્રગ્સ પ્રકરણમાં ઝડપાયેલા આરોપી વિરામન ઉર્ફે અન્ના ડુંગળીના વ્યવસાય સાથે સંકળાયેલ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જ્યારે પ્રવીણ મહારાત્રે ડ્રાયવિંગના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાની કબૂલાત કરી હતી.
આરોપીઓ મુંબઈના રહેવાસી છે અને સુરતના સલમાન તેમજ વાપીમાં મનોજ ભગતને પણ ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરવામાં આવ્યો હોવાની હકીકત બહાર આવી છે. હાલ બંને આરોપીઓની સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પુછપરછ હાથ ધરવામાં આવી છે. તેમજ આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ પણ હાલ ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે. ત્યારે ડ્રગ્સ પ્રકરણમાં મોટા નામો ખુલવાની શક્યતાઓ હાલ રહેલી છે.
જાણો શું છે સમગ્ર ઘટના - અમદાવાદ બાદ સુરતમાં પણ લગભગ 1 કરોડ રૂપિયાનું MD ડ્રગ્સ મળ્યું
23 સપ્ટેમ્બર- માત્ર મુંબઈમાં ડ્રગ્સ પેડલર પોલીસ અને નાર્કોટિકસ વિભાગના રડાર પર હોય એવું નથી. ગુજરાત અને ખાસ કરીને સુરતમાં પણ ડ્રગ્સનો વેપાર કરનાર લોકો ઉપર પોલીસની બાજનજર છે. અમદાવાદ બાદ સુરતમાં પણ લગભગ એક કરોડ રૂપિયાનો એમડી ડ્રગ્સ મળી આવ્યું છે. પોલીસે કરોડો રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે એકની ધરપકડ કરી છે અને વધુ પૂછપરછ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાથ ધરી છે.