- સુરત મેયર હેમાલી બોઘાવાલા ફરી વખત વિવાદમાં
- માસ્ક ન પહેરનારાઓને દંડ ન કરવાની કરી જાહેરાત
- પોલીસ કમિશનરની સ્પષ્ટતા, દંડની કાર્યવાહી ચાલુ જ રહેશે
સુરત: મેયર હેમાલી બોઘાવાલા ફરી વિવાદમાં આવ્યા છે. તેમણે તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે, માસ્ક ન પહેરનારા લોકો પાસેથી દંડ નહિ વસૂલાવા આવે. જેના ગણતરીના કલાકોમાં સુરત પોલીસ કમિશનર અજય તોમરે સ્પષ્ટતા કરી છે કે, નિયમ ભંગ કરનારા લોકો પાસેથી દંડ વસૂલવામાં આવશે. એક જ શહેરના બે મુખ્ય કહી શકાય તેવા હોદ્દેદારોના એક જ મુદ્દાને લઈને અલગ અલગ વલણને લોકો વિમાસણમાં મૂકાઈ ગયા છે.
હાલમાં સૌથી વધુ કેસ સુરતમાં નોંધાય છે
સુરતમાં પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ માટે માસ્ક ન પહેરનારા લોકો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી પણ કરાઈ રહી છે. રાજ્યભરમાં ફરી એક વખત શરૂ થયેલી કોરોનાની લહેરમાં સૌથી વધારે અસર સુરત શહેરને જ થઈ છે. એવામાં તંત્રના બે સૌથી અગત્યના કહી શકાય તેવા સરકારી અધિકારીઓના જુદા જુદા અભિપ્રાયોને લઈને વિવાદ થયો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષની જાહેરાત બાદ સુરત મેયરે પણ તે જ જાહેરાત કરી હતી. જ્યારે, હાલમાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈને પોલીસ કમિશનરની સ્પષ્ટતા પણ યોગ્ય હોય, તેમ લાગી રહ્યું છે.