- સુરત શહેરમાં 1200થી વધુ લોકો કરી રહ્યાં છે ટેરેસ ગાર્ડનિંગ
- ટેરેસ ગાર્ડનિંગથી મેળવી રહ્યાં છે શુદ્ધ અને સાત્વિક શાકભાજી
- કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સમયાંતરે આપે છે ટેરેસ ગાર્ડનની તાલીમ
સુરત : બજારમાં મળતા શાકભાજી મોટેભાગે રસાયણયુકત ખાતર અને જંતુનાશક દવાઓના વપરાશથી ઉત્પાદિત કરવામાં આવે છે. ઘરમાં જ હર્યો ભર્યો ગાર્ડન પરિવારને તંદુરસ્તીની સાથે ઓર્ગેનિક આહાર પ્રદાન કરે છે. ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી ટેરેસ(terrace kitchen garden) પર શાકભાજીની ખેતી કરતા ભટાર વિસ્તારના અનુપમાએ જણાવ્યું હતું કે છે કે, કિચન ગાર્ડન એટલે એક એવો બગીચો છે જેમાં ઉગાડેલા શાકભાજી તેઓ પોતાના રસોડામાં ઉપયોગમાં લે છે. તેઓએ ઘરની આગાસી પર કારેલા, કંટોલા, મેથીની ભાજી, ફૂદીનો, તુલસી, સક્કરટેટી, સીતાફળ, શેતુર, ટામેટા, લાલ ભીંડા, શક્કરીયા, નાગરવેલ જેવા છોડ ઉછેરીને આરોગ્યપ્રદ ભોજન માટે પોતાના પરિવારને આત્મનિર્ભર બનાવ્યું છે.
કિચન ગાર્ડનિંગની તાલીમ આપવામાં આવે છે
તેઓ કહે છે કે, નવસારી કૃષિ યુનિ.ના સુરતના પનાસ ખાતે કાર્યરત કે.વી.કે. દ્વારા બહેનોને કિચન ગાર્ડનિંગની તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ લીધા બાદ મને ખ્યાલ આવ્યો કે, કઈ સિઝનમાં કયા છોડને કેવી રીતે ઉગાડી શકાય. દવાથી લઈને ઉછેર સુધીની તમામ માહિતી આ તાલીમ દ્વારા મળી છે. તાલીમ પહેલા હું મારા ઘરમાં ઈન્ડોર પ્લાન્ટ તથા ગુલાબ, મોગરો જેવા છોડથી ગાર્ડનિંગ કરતી હતી. તાલીમ બાદ ઘરની અગાસી પર તેઓએ અનેક પ્રકારના શાકભાજી, ફળનું વાવેતર કરવાનું શરુ કર્યું હતું.
શહેરી બાળકો શાકભાજી કે ફૂલછોડને ઓળખી શકતાં નથી
અનુપમાએ વધુમાં જણાવ્યું હતું કે, મારા માટે ટેરેસ ગાર્ડનિંગ, કુદરત સાથે તાદાત્મ્ય સાધવાનું માધ્યમ બન્યું છે. પ્રકૃત્તિ સાથે ઓતપ્રોત થઈ જવાની મને ખુબ ખુશી છે. બાળકો પ્રકૃત્તિના વિવિધ તત્વોથી પરિચિત થાય છે. આજના બાળકો મોબાઈલની કાલ્પનિક દુનિયામાં ખોવાયા છે. હાલ શહેરી બાળકો શાકભાજી કે ફૂલછોડને ઓળખી શકતાં નથી. તેઓ તુલસી, હળદર, મીઠા અને કડવા લીમડાની ઉપયોગિતા શું છે એ વિષે પણ માહિતગાર હોતા નથી. ટેરેસ ગાર્ડનિંગ બાળકોને પ્રકૃત્તિ સાથે પ્રેમ કરતાં શીખવવાનો શ્રેષ્ઠ રસ્તો છે. આવનારી પેઢીને સ્વચ્છ અને શુદ્ધ હવા, પાણી અને ખોરાક આપવાની આપણી જવાબદારી છે.
રોગપ્રતિકારક શક્તિ વધી હોવાનો અહેસાસ થાય છે
તેઓએ વધુમાં ETV Bharatને જણાવ્યું હતું કે, કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમિયાન તેઓએ અગાસી પર ઉછેરેલા તુલસી, ગળો, બેઝિલ, હળદર અને નાગરવેલના પાનમાંથી બનાવેલો ઉકાળો નિયમિત રીતે પીતા હતાં. જેના કારણે રોગપ્રતિકારક શક્તિ વધી હોવાનો અહેસાસ થાય છે. આ ઉકાળો નિર્દોષ અને સ્વાસ્થ્યવર્ધક છે, જે કોઈ પણ ઋતુમાં પી શકાય છે. આધુનિક યુગમાં ખેતીવાડીમાં ઉછેરવામાં આવતાં શાકભાજી રાસાયણિક ખાતરના આડેધડ ઉપયોગના કારણે પ્રદૂષિત હોય છે. બજારમાં મળતા આ પ્રકારના શાકભાજી હવે આપણા આરોગ્યને હાનિકર્તા બને છે, એટલે જ ઘરમાં કિચન ગાર્ડનિંગનો પ્રોજેકટ ખૂબ ઓછા ખર્ચમાં થતો હોવાથી તેઓએ કિચન ગાર્ડનિંગને શોખરૂપે અપનાવ્યો હતો.
1,200થી વધુ મહિલાઓ કરે છે ટેરેસ ગાર્ડનિંગ
સુરત કૃષિ વિજ્ઞાના કેન્દ્રના વડા અને વરિષ્ઠ જનકરાઠોડે જણાવ્યું હતું કે, અમારા કેન્દ્ર દ્વારા સમયાંતરે ટેરેસ ગાર્ડનની તાલીમ રાખવામાં આવે છે. હાલ સુરત શહેરમાં 1,200થી વધુ લોકો ટેરેસ ગાર્ડનની ખેતી કરીને શુદ્ધ અને સાત્વિક શાકભાજી મેળવી રહ્યાં છે.
આ પણ વાંચો: જૂનાગઢના પૂર્વ કૃષિ વૈજ્ઞાનિકે ટેરેસ ગાર્ડન ખેતીના નવા અભિયાનની શરૂઆત કરી
પારડીમાં જાપાની પદ્ધતિ દ્વારા ટેરેસ ગાર્ડન બનાવી દંપતી મેળવી રહ્યું છે આવક