- સુરતમાં કાયદાઓના રક્ષકોએ જ કાયદાઓ તોડ્યા
- PIના વિદાય સમારોહમાં કોરોના ગાઈડલાઈનના લીરેલીરા ઉડ્યા
- પ્રજામાં આ બાબતે આક્રોશ
સુરત : કાયદા અને વ્યવસ્થાનું પાલન કરાવવાની જેની જવાબદારી છે તે પોલીસ જ ખુદ કાયદા અને નિયમના ધજાગરા ઉડાવી રહી છે. સુરત શહેરમાં જાણે નેતા અને પોલીસને કોઈ જ કાયદો ન લાગુ પડતા હોય તેવી ઘટનાઓ અવારનવાર સામે આવે છે. સુરતમાં એક PIની ઇકો સેલમાં બદલી થતા પોલીસ સ્ટાફ દ્વારા વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો,પરંતુ આ વિદાય સમારોહ કફર્યુંના સમયમાં યોજવામાં આવ્યો હતો. જેમાં કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા
કાયદાના રક્ષકોએ જ કાયદાને નેવે મુક્યા
સુરતના સિંગણપોર પોલીસ મથકના PI એ.પી. સલૈયાની બદલી ઇકો સેલમાં કરવામાં આવી હતી. પી.આઈ. સલૈયા અગાઉ પણ વિવાદમાં આવી ચુક્યા છે. અને હવે તેઓની બદલી થતા ફરી એક વખત વિવાદ સામે આવ્યો છે. PIની બદલી થતા સિંગણપોરમાં આવેલા એક ફાર્મ હાઉસમાં તેઓનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. આ વિદાય સમારોહમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત અન્ય બ્રાન્ચના પોલીસકર્મીઓ પણ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો : સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે પોલીસ જવાનોનો રેપિડ ટેસ્ટ, SMCએ કરી વ્યવસ્થા
પ્રજામાં આક્રોશ
કફર્યુંના સમયમાં આ વિદાય સમારોહ યોજાયો હતો જેમાં કોરોનાની તમામ ગાઈડલાઈનના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. અને ચારેતરફ આ ઘટનાને લઈને પોલીસની ટીકા થઈ રહી છે. જનતામાં આક્રોશ હતો કે પોલીસ તેમની પાસે દરેક નિયમોનું પાલન કરાવે છે પણ તે ખુદ એક પણ નિયમોનું પાલન નથી કરતા.
DYCPએ જણાવ્યું..
આ સમગ્ર મામલે ડીસીપી ભાવના પટેલે જણાવ્યું હતું કે, સિંગણપોર પીઆઇની બદલી થતા તેઓના પોલીસ જવાનોએ વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો જેના અનુસંધાને ફાર્મ હાઉસમાં આ વિદાય સમારંભ રાખવામાં આવ્યો. આ સમગ્ર મામલે એસીપી ડી ડિવિઝનને તપાસ સોપવામાં આવી છે, આ ઘટનામાં શું હકીકત છે કે આ મામલે તપાસ હાથ ધરવામાં આવશે. ઇન્કવાયરી ઓફિસર નક્કી કરશે વીડિયોમાં શું છે આ સમારંભમાં આશરે 30 જેટલા પોલીસ જવાનો હાજર હતા. ડભોલી ચોકીના દાતાઓ પણ આ કાર્યક્રમમાં હાજર હતા આ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
શું પોલીસ કમિશ્નર કોઈ પગલા ભરશે કે કેમ ?
મહત્વની વાત છે કે સુરતમાં 8 વાગ્યા બાદ કફર્યું લાગી જાય છે.અને કફર્યું કે માસ્ક વગર કોઈ વ્યક્તિ બહાર ફરતું દેખાય તો તેની સામે પોલીસ કડક કાર્યવાહી કરે છે. પરંતુ જો પોલીસ જ કાયદાને નેવે મૂકી નિયમના ધજાગરા ઉડાવે તો તેઓની સામે શું કોઈ કાર્યવાહી થશે ખરી તે પણ એક મોટો સવાલ છે. આ મામલે સુરત પોલીસ કમિશનર કોઈ પગલાં ભરી નિયમ બધા માટે સરખા છે તેવો દાખલો બેસાડશે કે કેમ તે જોવું રહ્યું.