- લાભ પાંચમના શુભ મુહૂર્ત પર સુરતના વેપારીઓએ દુકાનો ખોલી
- ટેકસ્ટાઈલ્સ માર્કેટમાં ફક્ત પંદર ટકા જેટલી જ દુકાનો ખુલી
- ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં વેપાર વેગ પકડશે
સુરત: માનવ દ્વારા ઉજવાતી દિવાળીનો આજે પૂર્ણકાળ છે અને દેવોની દીવાળીની આજથી શરૂઆત થઈ રહી છે.આ પર્વને વેપાર -ઉદ્યોગ માટે અતિ મહત્વનો દિવસ માનવામાં આવે છે. જે પ્રસંગે સુરતના ટેક્સટાઇલ્સ વેપારીઓ દ્વારા આજે દુકાનો ખોલી પૂજા - અર્ચનાની સાથે મુહૂર્ત કરવામાં આવ્યું હતું. લોકડાઉનમાં થયેલા કરોડો રૂપિયાના નુકસાનને ભૂલી નવેસરથી વેપારીઓએ દુકાનો ખોલી હતી. વેપારીઓને આશા છે કે, ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં માર્કેટ સંપૂર્ણપણે વેગ પકડશે. આજે લાભ - પાંચમનો દિવસ હોવા છતાં માર્કેટમાં પંદર ટકા જ દુકાનો ખુલી હતી. પણ વેપારીઓએ આશા રાખી છે કે આવનાર લગ્નસરામાં સારી ખરીદી નીકળે.
આ દિવસે ગુજરાતના વેપારીઓ નવા વહી ખાતા શરૂ કરે છે. તેમા સૌ પહેલા કુમકુમથી ડાબી બાજુ શુભ અને જમણી બાજુ લાભ લખવામાં આવે છે.વચ્ચે સાથીયો બનાવાય છે. આ દિવસે લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. જે લોકો દિવાળીના દિવસે શારદા પૂજન નથી કરી શકતા તેઓ પોતાની દુકાનોમાં કે સંસ્થાઓ ખોલીને આ દિવસે પૂજન કરે છે. આ દિવસે લોકો લક્ષ્મી અને ગણેશ પૂજન કરીને સુખ સમૃદ્ધિ અને એશ્વર્ય માટે પ્રાર્થના કરે છે.