- પિતાને બચાવવા જતા પુત્રને પણ થઇ ઇજા
- જિલ્લામાં પડ્યો ભારે પવન સાથે વરસાદ
- ભારે પવનને કારણે વડના વૃક્ષનો એક ભાગ પડ્યો હતો
સુરત: તૌકતે વાવાઝોડાની અસર સુરત જિલ્લામાં પણ શરૂ થઈ ચૂકી છે. બપોર બાદથી જિલ્લામાં અલગ-અલગ જગ્યાએ ભારે પવન સાથે છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો.

ભારે પવનના કારણે વૃક્ષ ધરાશયી થતા નીચે બેઠેલા આધેડનું દબાઈ જવાથી મોત થયું હતું
કામરેજ તાલુકાના માંકણા ગામે ભારે પવનના કારણે એક વૃક્ષ ધરાશયી થતા વૃક્ષની નીચે બેઠેલા આધેડનું દબાઈ જવાથી મોત થયું હતું. જ્યારે બચાવવા ગયેલા આધેડના પુત્રને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ બારડોલી સહિત જિલ્લામાં તૌકતે વાવાઝોડાની અસર, ખેડૂતો બન્યા ચિંતિત
વૃક્ષ નીચે બેઠા હતા ત્યારે ઘટના બની હતી
કામરેજ તાલુકાના માંકણા ગામે રહેતા દાનાભાઈ આહીર રવિવારે સાંજે ગામના પાદરે આવેલા વડના વૃક્ષ નીચે બેઠા હતા. તે સમયે અચાનક પુરઝડપે પવન સાથે વરસાદ ચાલુ થઈ ગયો હતો. પવનને કારણે વૃક્ષનો એક તરફનો ભાગ દાનાભાઈ પર પડ્યો હતો. તેઓ વૃક્ષની નીચે દબાઈ જતા તેમનો દીકરો બચાવવા માટે દોડ્યો હતો. પરંતુ તેને પણ ઇજા થતાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ પણ વાંંચોઃ વાવાઝોડાના પગલે અલંગ ખાતે બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું
ગ્રામજનોએ દોડી આવી વૃક્ષ નીચેથી બહાર કાઢ્યા હતા
આ દરમિયાન ગ્રામજનોએ દોડી આવી વૃક્ષ નીચે દબાઇ ગયેલા દાનાભાઈને બહાર કાઢ્યા હતા. પરંતુ ગંભીર ઇજા થતા તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટના અંગે કામરેજ પોલીસે સ્થળ પર પહોંચી પોસ્ટમોર્ટમ બાદ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.