સુરતઃ શહેરના ઝાંપા બઝારમાં રહેતા 50 વર્ષીય ગુલાબ હેદર ગુલાબ મુસ્તુજા શેખ 13મી મેના રોજ શરદી-ઉધરસ થતા ફેમિલી ડૉક્ટર પાસે ગયા હતા. જ્યાં કોરોના લક્ષણો હોવાની સંભાવના વ્યક્ત કરતા ગુલાબ હેદરને દાખલ થવાની વાત કરી હતી. જેથી તેમને ટ્રાઈ સ્ટાર નામની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. જ્યા તેનો પહેલો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. વૃદ્ધની 23 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. આ દરમિયાન હોસ્પિટલ દ્વારા બીજી વખત કોરોનાનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. ત્યારે હેદરનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેમ છતાં તેમને ફેફસાની તકલીફ હોવાના કારણે તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા નહોતા.
23 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ રહેલા હૈદરના પરિવારે આખરે તેને ઘરે લઈ આવ્યા હતા. જો કે પરિવારે જણાવ્યું છે કે અત્યારે સુધી તેની તબિયતમાં કોઈ પણ જાતનો સુધારો જોવા મળી રહ્યો નથી. ગુલાબ હેદરને શનિવારના રોજ રજા આપતા ઘરે લાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, જે તે સમયે ફેમિલી ડોક્ટરે એકતા ટ્રસ્ટની એમ્બ્યુલન્સ બોલાવી સિવિલ લઈ જવાની વાત કરતા દર્દીએ ના પાડી હતી. જેને લઈ ટ્રાઈ સ્ટાર હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ગુલાબ હેદરને પ્રતિબંધિત વોર્ડમાં દાખલ કરાયા બાદ પરિવારને મળવા પણ ન દેવાતા હતા. મોબાઈલ વીડિયો કોલીગથી વાત કરી ગુલાબ હેદર પરિવારને જોઈ શકતા હતા.
પરિવારને ડૉક્ટર કહેતા હતા કે તેના ફેફસા ખરાબ થઈ ગયા છે અને કફ થઈ ગયો છે, એટલે ગળામાં કાણું પાડી કફ કાઢીએ છીએ. દર્દીને 14 દિવસ સુધી વેન્ટિલેટર પર રાખ્યો હતા. 2-3 સિટી સ્કેન અને 13થી 30 મેંમાં 10 એક્સ રે કરવામાં આવ્યા. આ દરમિયાન 65 જેટલા બિલ બનાવ્યા છે. જેમાં 4,22,000 દવાનું બિલ છે અને 8,01,000 હોસ્પિટલનું બિલ છે. દરેક બિલ મળી કુલ 23 દિવસનું 12 લાખનું બિલ બનાવી હોસ્પિટલએ ઉઘાડી લૂંટ ચલાવી છે, તેવો આક્ષેપ પરિવારજનોએ કર્યો હતો.