- સુરતમાં ઝડપાયાં ગાંજાની હેરાફેરી કરનારાં આરોપી
- 21.19 લાખની કિમતનો 211 કિલો ગાંજાનો જથ્થો કબજે કરાયો
- ગાંજા સપ્લાયરોને ખુલ્લી ચેતવણી આપવામાં આવી
સુરતઃ સુરત પોલીસ દ્વારા 'નો ડ્રગ્સ ઇન સુરત' અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે અંતગર્ત સુરત પોલીસ દ્વારા ગાંજા અને ડ્રગ્સની સપ્લાય કરતા અને વેચાણ કરતા ઈસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરત ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે કેટલાક ઈસમો સુરતમાં ગાંજાનો જથ્થો લાવી રહ્યાં છે. બાતમીના આધારે પોલીસે પલસાણા હાઈવે ભાટિયા ગામ પાસેથી એક બોલેરો ગાડીને ઝડપી પાડી હતી. આ ગાડીની આગળ એક ગાડી આગળ પોલીસ છે કે કેમ તે પાઈલોટ પણ કરી રહી હતી. પોલીસે તે પણ ઝડપી પાડી છે. પોલીસે ગાડીમાં તપાસ કરતા તેમાંથી 21.19 લાખની કિમતનો 211 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યાં હતાં. પોલીસ તપાસમાં આરોપીઓએ પોતાનું નામ મંગલ પ્રેમચંદ તિવારી અને તે ગોડાદરા ખાતે રહેતો હોવાનું જણાવ્યું હતું. જયારે બીજા આરોપીએ પોતાનું નામ ધનજય રાજપત મેવાલાલ પટેલ અને તે પાંડેસરા ગણેશનગર પાસે રહેતો હોવાનું જણાવ્યું હતું. આરોપી મંગલ પ્રેમચંદ તિવારી વિરુદ્ધ અલગ અલગ પોલીસ મથકમાં કુલ 10 ગુના નોંધાયા છે અને તે વર્ષ 2010માં પેરોલ જમ્પ કરી ફરાર થયેલો રીઢો આરોપી હતો. તેમજ ધનજય લીંબાયત વિસ્તારમાં હત્યાના ગુનામાં પકડાયો હતો અને તે વર્ષ 2016માં જ જેલમાંથી બહાર આવ્યો હતો.
આ પણ વાંચોઃ એસ્સારના પૂર્વ એન્જિનિયરની હત્યાનું કાવતરૂં પાડોશી મહિલાએ રચ્યું હતું
ગાંજો સપ્લાય કરતા અને તેનું વેચાણ કરતાં લોકોને ખુલ્લી ચેતવણી
આ ઘટનામાં સપ્લાયર ભોલા નામનો ઇસમ ફરાર થઇ ગયો છે. પોલીસ દ્વારા તેઓને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે. તો બીજી તરફ સુરત પોલીસ કમિશનરે ડ્રગ્સ અને ગાંજાનો સપ્લાય કરતા અને તેનું વેચાણ કરતા લોકોને ખુલ્લી ચેતવણી આપી છે કે જો પ્રકારનું કાર્ય કરવામાં આવશે તો તેઓની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. યુવાધનને નશાના રવાડે ચડતું બચાવવા પોલીસનું આ અભિયાન ખરેખર સરાહનીય છે.
આ પણ વાંચોઃ વાપીમાં 16 કિલો ગાંજા સાથે 4 ઇસમોની ધરપકડ, SOG એ કુલ 11.79 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો