હૈદરાબાદ: તાજેતરમાં તેલુગુ લોકો વિરુદ્ધ કથિત વાંધાજનક ટિપ્પણી કરવા બદલ ફિલ્મ અભિનેત્રી કસ્તુરી શંકરની આખરે પોલીસે ધરપકડ કરી છે. હૈદરાબાદના ગુચીબાઉલીમાંથી ચેન્નાઈ પોલીસે તેની અટકાયત કરી હતી. તેણે હિંદુ મક્કલ કાત્છીના નેજા હેઠળ ચેન્નાઈમાં આયોજિત વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો અને તેલુગુ લોકો વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. ઘણી તેલુગુ સંસ્થાઓ અને સેલિબ્રિટીઓએ આ મામલે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને આ અંગે એક્ટ્રેસ વિરૂદ્ધ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ પણ નોંધાઈ હતી.
ચેન્નાઈના એગમોરમાં એક તેલુગુ સંગઠનની ફરિયાદ પર પોલીસે એક્ટ્રેસ કસ્તુરી સામે ચાર કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. આ કેસમાં સમન્સ જારી કરવા પોલીસે પોસ ગાર્ડન સ્થિત કસ્તુરીના ઘરે પહોંચી હતી પરંતુ તેના ઘરે તાળું હોવાથી પોલીસે તેના મોબાઈલ નંબર પર ફોન કર્યો હતો. જોકે, ફોન સ્વીચ ઓફ કર્યા બાદ તે ભાગી રહી હોવાનું જણાવવામાં આવ્યું હતું. તપાસ માટે વિશેષ ટીમની રચના કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે ચેન્નઈ પોલીસને જાણ થતાં શનિવારે સાંજે હૈદરાબાદ પહોંચી હતી અને ગુચીબાઉલીમાંથી અભિનેત્રી કસ્તુરીની ધરપકડ કરી અને તેને ચેન્નઈ લઈ ગઈ હતી.
કોણ છે કસ્તુરી શંકર?
મહત્વપૂર્ણ છે કે, 50 વર્ષીય અભિનેત્રી કસ્તુરી શંકર છેલ્લા 35 વર્ષથી ગ્લેમર અને એન્ટરટેઈનમેન્ટની દુનિયામાં સક્રીય છે. તેણે તમિલ, મલયાલમ, કન્નડ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે. તે વ્યવસાયે ટીવી એન્કર અને મોડલ પણ રહી ચુકી છે. તેણે 1991માં તમિલ ફિલ્મ 'આથા ઉન કોઈલી'થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. આજે પણ તે ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી છે.