સુરત: કોરોના કાળમાં દેશભરમાં એકમાત્ર ધારાસભ્ય દ્વારા કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે અને તેઓ પોતે આ વોર્ડમાં જઈ દર્દીઓના હાલચાલ પૂછે છે. જી, હા... આ ધારાસભ્ય રાજ્યના સુરત શહેરના મજુરા વિધાનસભાના હર્ષ સંઘવી છે અને આ જ કારણ છે કે, તેઓને ફેમ મેગેઝિન દ્વારા દેશભરના 50 સર્વશ્રેષ્ઠ ધારાસભ્યની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. તેઓ ગુજરાતના એકમાત્ર ધારાસભ્ય છે કે જેઓ આ લિસ્ટમાં સામેલ છે.
ફેમ મેગેઝિન દ્વારા હાલમાં જ દેશભરના પ્રખ્યાત અને જનહિતમાં કામ કરનારા ટોપ 50 ધારાસભ્યના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સુરતના મજુરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીનું નામ સામેલ છે. યુવા ધારાસભ્ય હાલમાં જ કોરોનાકાળને ધ્યાનમાં રાખી અલ્થાન ખાતે અટલ સંવેદના કોવિડ સેન્ટર શરૂ કર્યું છે. જેમાં તેઓ પોતે દર્દીઓને મળવા પણ જાય છે. અત્યાધુનિક સુવિધાઓ સાથે આ કોવિડ સેન્ટર ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તેઓ સુરતના મજુરા વિધાનસભા બેઠકથી બે વાર ધારાસભ્યની ચૂંટણી જીતી ચૂક્યા છે.
આ મેગેઝિનમાં પોતાનું નામ સામેલ થતા તેઓએ જણાવ્યું હતું કે, તેઓ હંમેશાથી પ્રજાહિતના કાર્યો માટે કટિબદ્ધ છે. તેઓ અનેકવાર વિવાદોમાં પણ આવી ચૂક્યા છે. તેમ છતાં તેઓ પ્રજાહિતના કાર્યો માટે હંમેશા કટિબદ્ધ રહે છે.