- એલસીબીને 25 લાખ રૂપિયાની રોકડ મળી આવી
- ઝડપાયેલા શખ્સો સરથાણાના બિલ્ડર પાસેથી રકમ લાવ્યા
- કરજણ બેઠકના કોંગ્રેસ ઉમેદવારને રકમ પહોંચાડવાની કબૂલાત
- સુરત ક્રાઈમ બ્રાન્ચે બિલ્ડરને ત્યાં દરોડો પાડતા વધુ 30 લાખની રોકડ મળી
સુરત: ભરૂચ ટોલ ટેક્ષ પરથી વાહન ચેકિંગ દરમિયાન એલસીબીની ટીમને એક કારમાં બેઠેલા 2 શખ્સો પર શંકા જતા કારની તપાસ કરવામાં આવી હતી. કારની તપાસ બાદ 25 લાખ રૂપિયાની રોકડ મળી આવી હતી. આથી એલસીબીની ટીમે કડક કાર્યવાહી હાથ ધરી હતી. ત્યાર બાદ પોલીસની પૂછપરછમાં બંને આરોપીઓએ કરજણ બેઠકના કોંગ્રેસ ઉમેદવારને આ રકમ પહોંચાડવાની કબૂલાત કરી હતી. આ રકમ શહેરના સરથાણાના બિલ્ડર પાસેથી રકમ લાવ્યા હોવાનો ખુલાસો કર્યો હતો. આ બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચે બિલ્ડરને ત્યાં દરોડો પાડતા વધુ 30 લાખની રોકડ રકમ મળી આવી છે. જેને સુરત ક્રાઈમ બ્રાન્ચે આ રોકડ પંચનામું કર્યા બાદ જરૂરી કાર્યવાહીના કાગળો સાથે ભરૂચ એલસીબીને સોંપ્યા છે.
શું હતી સમગ્ર ઘટના ?
મંગળવારે ભરૂચ LCBની ટીમે ટોલ ટેક્સ પ્લાઝા પાસે વાહન ચેકિંગ દરમિયાન સુરત તરફથી આવતી વડોદરા પાસિંગની કારને અટકાવી કારમાં બેસેલા 2 શખ્સોની પૂછપરછ બાદ કારમાં તપાસ કરતાં રૂપિયા 25 લાખ ભરેલી એક બેગ મળી આવી હતી. વધુ પૂછપરછમાં આરોપીઓએ સુરતના બિલ્ડર પાસેથી રૂપિયા લાવ્યા હોવાનું સામે આવ્યું હતું. આ રૂપિયા કરજણ પેટા ચૂંટણીના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને પહોંચાડવાની કબૂલાત કરી હતી.
બિલ્ડરને ત્યાં સુરત ક્રાઈમ બ્રાન્ચના દરોડા
આ બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સરથાણાના રિવેરા એટલાન્સ્ટિસની ઓફિસમાં દરોડો પાડ્યો હતો, આ દરમિયાન 30 લાખથી વધુની રકમ મળી આવી હતી. આ રકમને ક્રાઈમ બ્રાન્ચે કબજે કરી હતી. આ લાખોની રોકડ રકમ સહિત કબજે કરેલા જરૂરી કાર્યવાહીના કાગળો ભરૂચ એલસીબીને સોંપવામાં આવ્યા છે.