- સુરતમાં જ મસમોટો પ્લાન્ટ હોવા છતા કંપનીએ સપ્લાયની ના પાડી
- કંપની અન્ય શહેરો અને રાજ્યોને જથ્થો પૂરો પાડતો હોવાથી પાડી હતી ના
- કલેક્ટરે અધિકારીઓ અને પોલીસ મોકલીને કંપનીના ગેટ પર જ જથ્થો અટકાવ્યો
સુરત: કોરોનાના બીજી લહેરમાં સુરત સહિત સમગ્ર રાજ્ય અને દેશમાં મેડીકલ ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે. આ વચ્ચે સુરતના હજીરા સ્થિત આઈનોક્સ કંપનીના પ્લાન્ટ ખાતેથી રાજ્યના વિવિધ શહેરો સહિત મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશને મેડીકલ ઓક્સિજન પૂરો પાડવામાં આવી રહ્યો છે. જોકે, આઈનોક્સ કંપનીએ સુરતને જ ઓક્સિજન સપ્લાય આપવાની ના પાડી દેતા જિલ્લા કલેક્ટરે પોતાની સત્તાનો ઉપયોગ કરીને કંપની ખાતે પોલીસ કાફલો મોકલીને અન્ય શહેરો-રાજ્યોને મોકલાતો જથ્થો અટકાવી દીધો હતો.
7 અધિકારીઓ અને પોલીસ કાફલો પહોંચ્યો હતો કંપનીમાં
આઈનોક્સ કંપની હદ વટાવતા સુરતને ઓક્સિજનનો જથ્થો આપવાનો ઇનકાર કરી દીધો હતો. સુરત નજીક હજીરામાં જ કંપની હોવા છતાં ઓક્સિજન ન મળતા પરિસ્થિતિ વિકટ બનવાની સંભાવના સર્જાઇ હતી. જેના કારણે સુરત જિલ્લા કલેક્ટર ડૉ.ધવલ પટેલે તેમની સત્તાનો ઉપયોગ કર્યો હતો. કલેક્ટર પટેલે અધિક કલેક્ટર આર.આર બારોટ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર આર. એમ. પટેલ સહિત 7 અધિકારીઓ તથા પોલીસ કાફલાને લઈને કંપની ખાતે મોકલ્યા હતા અને આઈનોક્સ કંપની દ્વારા અન્ય સ્થળે મોકલાતા ઓક્સિજન ટેન્કરને સીલ કરી દેવાયા હતા. આઈનોક્સ સુરતને તેની જરૂરિયાતનો 120 મેટ્રિક ટન ઓક્સિજન ફાળવે નહીં ત્યાં સુધી કંઈ સાંભળી લેવાશે નહીં, તેવી ગર્ભિત ધમકીઓ પણ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
120 મેટ્રીક ટનના ઉત્પાદન સામે હાલ 170 ટન ઉત્પાદન
ઓક્સિજનની કટોકટી વચ્ચે હજીરા ખાતે આવેલા આઈનોક્સ કંપનીના પ્લાન્ટમાં પ્રતિદિન 120 મેટ્રીક ટનના ઉત્પાદન સામે હાલ 170 મેટ્રીક ટન ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. તેમ છતાં શહેરમાં ઓક્સિજનની અછત જોવા મળી રહી છે. જેની પાછળનું સૌથી મહત્વનું કારણ જોવા જઈએ તો કેન્દ્ર સરકારના આદેશને પગલે આઈનોક્સ કંપનીને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં જથ્થો મોકલવો જરૂરી બની ગયો છે. જેને પગલે કંપનીએ સુરતને 86 મેટ્રીક ટન જથ્થો ફાળવ્યો હતો. જ્યારે અન્ય જથ્થો ઉપલબ્ધ હોવા છતાં ફાળવવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો..