સુરત: સ્માર્ટ લગેજ બેગ જે તેનો માલિક જ્યાં જશે તેની પાછળ પાછળ જશે અને બેગ ચોરાવાનો કોઈ ભય રહેશે નહીં. કોરોનાની આ મહામારીમાં જો યાત્રા વખતે કોઈ ઇન્ફેકટેડ વ્યક્તિ આપણી બેગને અડે અને પછી આપડે બેગને અડીએ તો ઇન્ફેકશન થવાનો ભય રહે છે. મુસાફરી વખતે વારંવાર આપણાં સમાન કે બેગને અડકવાથી આપણે બચવું જોઇએ, તે માટે એન.જી. પટેલ પોલિટેકનિકના વિદ્યાર્થીઓએ એક સ્માર્ટ બેગ બનાવી છે. જે તેના માલિક પાછળ આપો આપ જાય છે. જેથી બેગને વારંવાર આડકવાની કે ઉંચકવાની જરૂર નહીં પડે અને તેને અન્ય કોઈ વ્યક્તિ પણ અડી નહીં શકે કે ખોલી નહીં શકે.
યાત્રા કરતી વખતે આપણો સામાન આપણે લગેજ બેગમાં મૂક્યો હોય અને આપણે જ્યાં જઈએ ત્યાં આ બેગ આપણે ઊંચકીને લઈ જવી પડે છે. બેગમાં કિંમતી સામાન હોય તો તેનું વિશેષ ધ્યાન રાખવું પડે છે અને જો બેગ ચોરાઇ જાય તો મોટી ઉપાદી ઊભી થતી હોય છે. તે ન થાય તે માટે એક વિશેષ પ્રકારની રોબોટ લગેજ કાર્ટ અથવા સ્માર્ટ લગેજ બેગ એન.જી.પટેલ પોલીટેકનિકના ઇલેક્ટ્રિકલ ઈજનેરી વિભાગના વિદ્યાર્થીઓએ અમિત ચોપડે અને અનંત લાડ દ્વારા બનાવાવમાં આવી છે.
આ બેગ એક સ્માર્ટ રોબોટ જ છે. જેમાં આરડીનો માઇક્રો કંટ્રોલર, વ્હીલ મોટર અને સેન્સરનો ઉપયોગ કરવામાં આવેલો છે. ખાસ કરીને પ્રવાસ વખતે આ સ્માર્ટ લગેજ બેગ એ લોકોને ખૂબ ઉપયોગી નિવડશે.
આ સ્માર્ટ લગેજ બેગ એ પોતે તેના માલિકની પાછળ પાછળ જાય છે અને તેનો ભાર તેના માલિકે ઊચકવાની જરૂર નથી. એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, મોલ અથવા રોડ ઉપર આ લગેજ બેગ તમારી પાછળ પાછળ આવશે. આવી જગ્યાએ ભીડ હોય અથવા ઘણી બીજી અડચણ હોય તો પણ આ સ્માર્ટ બેગ પોતાનો રસ્તો શોધી લેશે અને માલિકની પાછળ રહેશે.
આ સ્માર્ટ બેગ એક સ્માર્ટ રોબોટ જ છે. જેની અંદર અલ્ટ્રા સોનિક સેન્સર, આરડીનો માઇક્રો કંટ્રોલર, નાની વ્હીલ મોટર, GPS વગેરે સિસ્ટમ લગાવેલી છે. આ સેન્સર બેગની ઉપર તથા આગળના ભાગમાં લગાવેલી છે. જેનું કનેક્શન તેમાં રહેલા માઇક્રો કંટ્રોલર સાથે છે. જે સેન્સરના સિગ્નલ પ્રમાણે બેગમાં લાગેલા વ્હીલ મોટરને આદેશ આપશે.
આ અંગે વિદ્યાર્થી અમિત ચોપડેએ જણાવ્યું હતું કે, આ સ્માર્ટ લગેજ બેગ તેના માલિક વગર ખૂલસે નહીં. કારણ કે, તેને પાસવર્ડ અને ફિંગર સ્કેનરથી પ્રોટેક્ટ કરેલી છે. જ્યારે માલિક તેની ફિંગર બેગ ઉપરના સ્કેનરથી સ્કેન કરી અને પાસવર્ડ નાખશે, ત્યારે જ આ બેગ ખુલશે. અન્ય કોઈ આ બેગ ખોલવાનો પ્રયાસ કરે તો એલાર્મ વાગશે અને જો કોઇ ચોર બેગની ચોરી કરવાનો પ્રયાસ કરશે, તો બેગ આ ચોરને ઇલેક્ટ્રિક શોક પણ આપશે. આ સાથે જ બેગનું લોકશન તેના માલિકને ઓટોમેટિક મળી જશે. જેથી ખબર પડી જશે કે, તેની બેગ કોઈ ખોલવાનો પ્રયાસ કરી રહ્યું છે અને બેગ કઈ જગ્યાએ છે તે પણ ખબર પડી જશે.
જો આ બેગ તેનો માલિક કોઈ જગ્યાએ ભૂલી જાય, તો બેગમાં રહેલું એલાર્મ વાગવા માંડે છે. એટલે કે, બેગ તેને યાદ કરાવે છે. જેથી તેનો માલિક તેને સાથે રાખે અને બેગ ક્યાંય ભુલાઈ નહીં.
આ ઉપરાંત કોઈ સંજોગોમાં બેગ ખોવાઈ જાય, તો તેનું લોકશન તેના માલિકના ફોન ઉપર જોઈ શકાય છે. જેથી તે લોકશન પરથી તેની બેગ તેને મળી જાય છે. આ સ્માર્ટ લગેજ બેગમાં સ્માર્ટ બેટરી મેનેજમેન્ટ વ્યવસ્થા ગોઠવેલી છે. બેગ ઉપર આપેલા USB દ્વારા પ્રવાસ દરમિયાન માલિક તેનો ફોન પણ ચાર્જ કરી શકે છે. આ ઉપરાંત બેગ ઉપર ટોર્ચ લાઇટ પણ છે. જેના ઉપયોગથી અંધારામાં માલિકને રસ્તો જોવામાં મદદ મળે છે. બેગ ઉપર આપેલા LCD ડિસ્પ્લેમાં લો-બેટરીનું સ્ટેટસ પણ દેખાય છે. જેથી જરૂર પડ્યે બેટરીને ચાર્જ કરી શકાય છે.
આ ટેક્નોલોજીનો ઉપયોગ મેડિકલ અને મિલીટ્રી ફિલ્ડમાં પણ કરી શકાય છે. આ પ્રોજેકટ બનાવવામાં એન.જી.પટેલ પોલીટેકનિકના ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ ઈજનેરી વિભાગના વિદ્યાર્થીઓ અમિત ચોપડે અને અનંત લાડ, પ્રોજેકટ ગાઈડ વી.કે.પટેલ (વિભાગીય હેડ) અને એન.સી.પંડ્યા સરનો ફાળો રહ્યો છે.
સંસ્થાના આચાર્ય તથા ટ્રસ્ટીઓએ પ્રોજેકટ બનાવનારા તમામ વિદ્યાર્થીઓને સંસ્થાનું ગૌરવ વધારવા બદલ બિરદાવ્યા છે.