સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સાંપ્રત પરિસ્થિતિના પડકારો વિશે વિડીયો કોન્ફરન્સ (વેબીનાર) થકી ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર્સ વેલફેરના કેન્દ્રીય પ્રધાન પુરષોત્તમ રૂપાલા સાથે વિચાર વિમર્શનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ એગ્રો બેઇઝ્ડ સ્ટાર્ટઅપ માટે યુવા ઉદ્યોગ સાહસિકોને આગળ આવવા માટે અનુરોધ કરી ચેમ્બર દ્વારા અમલસાડથી ચીકુ માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવા કરાયેલી રજૂઆતને ધ્યાનમાં રાખીને ખેતપેદાશ માટે એક બોગીની પણ જરૂરિયાત હશે તો રેલવે વિભાગ સાથે વાત કરીને તેની વ્યવસ્થા કરીશું તેમ પણ જણાવ્યું હતું.
કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ દક્ષિણ ગુજરાતમાં બાગાયત પાકો સારા પ્રમાણમાં થાય છે એવા સંજોગોમાં ઓર્ગેનીક ફાર્મીંગ માટે ખેડૂતો આગળ આવે અને કલસ્ટર બને તે માટે પ્રયાસ કરવા જણાવ્યું હતું.
ચેમ્બરના પ્રમુખ કેતન દેસાઇએ જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા છેલ્લા બે વર્ષથી દક્ષિણ ગુજરાતના કૃષિ ક્ષેત્ર સંબંધિત રજૂઆતો કરવામાં આવી રહી છે. ભારત વિશ્વમાં ફળો અને શાકભાજી ઉત્પાદનમાં ચાઈના પછી બીજા ક્રમે આવે છે. પરંતુ પાકના ઉતારા પછીનો બગાડ પણ ઘણો મોટો 30 ટકા જેટલો છે. જેથી ખેડૂતને થતા નુકસાનને અટકાવવા માટે વ્યવસ્થા ઉભી કરવી જોઇએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ મોટાપાયે ચીકુનુ ઉત્પાદન થાય છે એના માટે અમલસાડથી ચીકુ માટે સ્પેશિયલ ટ્રેન પણ દોડાવવાની માગ તેમણે કરી હતી. તેમજ તેમણે ઓર્ગેનીક કલ્ચર ડેવલપ કરવા માટે સગવડ ઉભી કરવા માટે વિનંતી કરી હતી. તેમણે એગ્રીકલ્ચર માટે ભવિષ્યમાં શું તકો રહેલી છે તેમજ સરકારની તૈયારીઓ વિશે માર્ગદર્શન આપવા મંત્રીને અનુરોધ કર્યો હતો.
ચેમ્બરના ઉપપ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, એપીએમસી માર્કેટમાંથી લાયસન્સ પ્રથા રદ કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. આનો તાત્કાલિક અમલ થશે તો દલાલી પ્રથા નાબૂદ થશે અને ખેડૂતોને પાકના ભાવનુ વળતર ખૂબ સારુ મળશે.
કેન્દ્રિય પ્રધાન પુરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, અમલસાડથી ચીકુ માટે પહેલા જે સ્પેશિયલ ટ્રેન દોડતી હતી તેની અત્યારે આવશ્કયતા અને જરૂરિયાત હોય તો ચેમ્બરને રજૂઆત કરવા માટે જણાવ્યું હતું. આ અંગે સ્પેશિયલ ટ્રેન દોડાવવા કિસાન રથ ચલાવવાની જાહેરાત કરી શકાય તેમ છે. સરકાર દ્વારા કિસાન રથ એપ બનાવવામાં આવી છે. સરકાર દ્વારા એગ્રીકલ્ચર ટ્રાન્સપોર્ટેશનની દિશામાં પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકારે લોકડાઉનમાં રૂપિયા 18 હજાર કરોડ ખેડૂતોના બેંકના ખાતામાં જમા કરાવ્યા છે. ખેડૂતોના તૈયાર થયેલા માલના વેચાણ માટે પ્રયાસ કરવામાં આવ્યા છે અને ખેડૂતોની મોટાભાગની માંગણીઓને મંજૂર કરવામાં આવી છે. તેમજ તેમણે વધુમાં જણાવ્યું કે, દેશભરમાં 9 કરોડથી વધુ ખેડૂતો કિસાન ક્રેડીટ કાર્ડ ધરાવે છે. પરંતુ તેની જગ્યાએ માત્ર 6 કરોડ 30 લાખ ખેડૂતો પાક માટે ધિરાણ લેતા હતા. એટલે ખેડૂતોને લોનનો લાભ મળે તે માટે ફેબ્રુઆરી મહિનામાં જ સરકાર દ્વારા ઝૂંબેશ ચલાવવામાં આવી હતી. જેમાં 75 લાખ ખેડૂતોની અરજીઓ લેવામાં આવી અને 22 લાખ ખેડૂતોની લોન મંજૂર પણ કરવામાં આવી હતી. ઓર્ગેનીક વેજની માંગને પહોંચી વળવા માટેની ક્ષમતાને પૂર્ણ કરવાની ક્ષમતા એકમાત્ર ભારત પાસે છે. ખેડૂતોને યોગ્ય કિંમત મળે અને લોકોને પણ તાજા ફળફળાદી અને શાકભાજી મળી જાય તે માટે યોગ્ય સંતુલન કરીને વ્યવસ્થા ઉભી કરવી પડશે. માંગ અને પુરવઠાને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા ઉભી કરવા માટે ચેમ્બરે પણ માઇક્રો પ્લાનિંગ કરીને મિકેનિઝમ ડેવલપ કરવા માટે પ્રયાસ કરવો જોઇએ તેઓ અનુરોધ તેમણે કર્યો હતો.
તેમણે એસસી–એસટી ખેડૂતોની જેમ મહિલાઓને પણ સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડી વિશે વિસ્તૃત માહિતી આપી હતી. લોકોને મદદ કરવા માટે તેમણે અનુરોધ કરી પરિવાર તથા સમાજના રક્ષણ માટે સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના નિયમોનુ પાલન કરવા બધાને હાંકલ કરી હતી.