સુરત : મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલનાં કોવિડ વોર્ડમાં દાખલ દર્દીઓ અને તબીબી સ્ટાફ માટે એક જ રસોડે એકસરખું ભોજન બને છે. દર્દીઓ અને તબીબોના ભોજનમાં કોઈ ભેદ રાખવામાં આવતો નથી. ‘હાઈજેનિક ફૂડ’ ની સાથે ઈટાલીયન સલાડ પણ આપવામાં આવે છે. સ્મીમેરમાં દરરોજ 500 જેટલી ભોજનની ડિશ પીરસવામાં આવે છે. દવા લેવાના ટાઈમિંગને અનુસરી તંત્ર દ્વારા દર્દીઓના બેડ સુધી થાળી સમયસર પહોંચાડવામાં આવે છે. ડાયાબિટીશ દર્દીઓ માટે અલગ સુગર ફ્રી મેનુ બને છે.

દર્દીઓ અને તબીબી સ્ટાફના હેલ્થ અને હાઈજીનને ખાસ ધ્યાને રાખી સવાર, બપોર, સાંજ અને રાત્રિ ભોજનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ‘હાઈજેનિક ફૂડ’ પીરસતા સ્મીમેર તંત્ર દ્વારા તબીબો અને સ્ટાફ માટે દરેક કોવિડ વોર્ડની બહાર લીંબુ શરબત અને ફ્રુટમાં કેળા રાખવામાં આવે છે.

કોવિડ દર્દીઓની જરૂરિયાત પ્રમાણે ડાયાબિટીક દર્દીઓ માટે અલગ રોટલી, દાળ, શાકની વ્યવસ્થા સાથે સુગર ફ્રી મેનુ બને છે. ડોક્ટરના માર્ગદર્શનથી ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓ માટે લિક્વિડ ફૂડની સુવિધા કરાય છે. સાથે ભોજનમાં દરરોજ વિવિધતા આપવાના પ્રયત્નો કરવામાં આવે છે.

સ્મીમેરના નોડલ ઓફિસર અને નાયબ વનસંરક્ષક પુનિત નૈયરે જણાવ્યું હતું કે, સુરત આરોગ્ય વિભાગ અને મહાનગરપાલિકા પ્રશાસનની નિગરાની હેઠળ સ્મીમેર હોસ્પિટલમાં દાખલ દરેક દર્દીઓને સમયસર ઘર જેવું જ પૌષ્ટિક અને શુદ્ધ ભોજન મળે તેનો ખાસ ખ્યાલ રાખવામાં આવે છે.

રસોડામાં કામ કરતા દરેક કર્મચારીને હેન્ડ ગ્લોવ્ઝ, સેનિટાઈઝર, N95 ફેસ માસ્ક, ગરમ લીબું પાણી, બે ટાઈમ ઉકાળો, ચા-કોફી પૂરા પાડવા સાથે તમામ પ્રકારની કાળજી લેવામાં આવે છે. સાથે ચોમાસાની સિઝન હોવાથી રસોડાને દર કલાકે જંતુમુકત કરવામાં આવે છે. અહીં કાર્યરત તમામ વ્યક્તિ પણ દર કલાકે સેનિટાઈઝ થાય છે.
- શહેરના ખ્યાતનામ નાનાલાલ સ્વીટ્સ એન્ડ કેટરર્સના જનકભાઈ ભાલાળા ભોજન તૈયાર કરવાની જવાબદારી ઉપાડી
- સ્મીમેરમાં આપવામાં આવતા ભોજનનું લીસ્ટ
- સવારે બ્રેકફાસ્ટમાં ઈડલી, ચટણી, સેવ-ખમણ, બટાટા-પૌઆ, પાત્રાની સાથે ચા, કોફી, ગરમ દૂધ આપવામાં આવે છે.
- બપોરના મેનુમાં સુરતનું પ્રખ્યાત ઊંધિયું, તૂરીયાપાત્રા જેવી ગ્રીનરી શાકની સાથે કઠોળનું શાક, ઘર જેવી રોટલી, સલાડ આપવામાં આવે છે.
- સાંજે ચાર વાગ્યે સુરતી ભુંસું, ખારી જેવો સુકો નાસ્તો આપવામાં આવે છે.
- રાત્રિભોજનમાં ગુજરાતી, પંજાબી થાળી, બટાકાની સુકી-ભાજી, મસાલા પંજાબી દહીં સાથે બે શાક હોય છે.
જનકભાઈએ વધુમાં કહ્યું કે, સ્મીમેરમાં અવારનવાર ઈટાલીયન સલાડ પણ આપવામાં આવે છે. ઈટાલીયન સલાડ ઈમ્યુનિટી સલાડ તરીકે પ્રખ્યાત છે. કોવિડ વોર્ડમાં નાઈટ ડ્યૂટી કરતા તમામ સ્ટાફ અને દર્દીઓ માટે હળદરવાળું હુંફાળું દૂધ આપીએ છીએ. અહીંયા બનતી તમામ રસોઈની ગુણવત્તામાં ક્યારેય બાંધછોડ કરવામાં આવતી નથી. સાથે જ સરળતાથી પાચન થાય એવું ગરમ મસાલા વગરનું ‘હાઈઝેનિક ફૂડ’ દર્દીઓને પીરસીએ છીએ.

છેલ્લા ચાર મહિનાથી 40 વ્યક્તિની ટીમના દિવસ-રાત અવિરત સહકારથી ભોજન સેવા આપી રહ્યાં છીએ. ઈશ્વરની મહેરબાનીથી રસોડામાં કામ કરતી કોઈ પણ વ્યક્તિ કોરોના વચ્ચે અને સ્મીમેર હોસ્પિટલની નજીક કામ કરતો હોવા છતાં કોઈ જ તકલીફ સર્જાઈ નથી. મારા મિત્રો-પરિચિતોનું કહેવું હતું કે, હું સામે ચાલીને કોરોનાની પરિસ્થિતિમાં જોખમ લઈ રહ્યો છું. ‘આવી વિકટ પરિસ્થિતિમાં કામ ન કરાય. ક્યાંક ચેપ લાગશે.’ એવું કહેતા. પરંતુ રસોઈ બનાવવીએ મારૂ કામ અને રોજીરોટી છે, અને આપણી રોજીરોટી કોઈ રોગથી ડરીને છોડી દેવાય નહી. હું શુદ્ધ અને સાત્વિક ભોજન બનાવી દર્દીઓ અને ડોક્ટર્સ, સ્ટાફને ખુશ રાખવાનો પ્રયત્ન કરૂ છું. સૌને સારૂ અને શરીરને માફક આવે એવું ભોજન બને એનું હું ખાસ ધ્યાન રાખું છું.

સ્મીમેરના કોવિડ વોર્ડમાં સારવાર લઈ રહેલા દર્દી અમૃતલાલ રાવલ જણાવે છે કે, ડોકટરો દ્વારા શ્રેષ્ઠ સારવાર આપવામાં આવે છે, સાથોસાથ અમને ઘર જેવું જ સાત્વિક ભોજન પીરસવામાં આવે છે. સમયસર અમારા બેડ પર જ ભોજનની પેક્ડ થાળી અને મિનરલ વોટરની બોટલ પહોંચાડવામાં આવે છે. અમને શું ભાવે છે એવું પૂછીને એ પ્રમાણે વિવિધતાવાળું જમવાનું આપવામાં આવે છે.

તબીબો, નર્સિંગ સ્ટાફ અને નાનામાં નાના કર્મચારીની કાળજીપુર્વકની દેખભાળથી અમને જરાય એવું નથી લાગ્યું કે, અમે ઘરથી દૂર છીએ. સ્મીમેરના રસોડામાં સહાયક તરીકે કામ કરતાં 50 વર્ષીય મોંઘીબેન, 45 વર્ષના અંજુબેન અને 62વર્ષના સવિતાબેને પ્રતિભાવ આપતાં એકસૂરે જણાવ્યું કે, ‘અમે છેલ્લા ચાર મહિનાથી અહીં ભોજન બનાવવામાં સહાયક તરીકે કામ કરીએ છીએ.’
અમને કોઈ પણ પ્રકારની તકલીફ થઈ નથી. દર્દીઓ અને તબીબો માટે સારૂ અને શુદ્ધ ભોજન બને એનું અમે પણ ધ્યાન રાખીએ છીએ. અમને જીવનમાં પહેલીવાર રોજીરોટીની સાથે સેવા કરવાની તક મળી છે તેનો ઘણો આનંદ છે. સવારથી સાંજ સુધી જેમ પોતાના પરિવાર માટે જમવાનું બનાવીએ તેવી જ રીતે અહીં સ્મીમેરના ઘરની જેમ જ દર્દીઓ અને ડોક્ટર માટે ભોજન બનાવીએ છીએ.સ્મીમેરની આવી આદર્શ ભોજન વ્યવસ્થા દર્દીઓને હોસ્પિટલમાં ઘરનો અહેસાસ કરાવે છે.