- સુરતના ઉધોગપતિ વિરલ દેસાઈની અનુકરણીય પહેલ
- 'આઝાદી કા અમૃત મહોત્સવ’ ને સમર્પિત છે આ વર્ષની થીમ
- ‘ટ્રી ગણેશા’ માં તેમની સાથે ગુજરાત સરકારનું વન વિભાગ પણ સત્તાવાર રીતે જોડાયેલું છે
સુરત: ભારત સરકાર દ્વારા આ વર્ષે ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી થઈ રહી છે. વિરલ દેસાઈએ આ વર્ષના ‘ટ્રી ગણેશા’ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ને સમર્પિત કર્યા છે અને ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન’ ની થીમ રાખી પર્યાવરણ જાગૃતિના કાર્યો કરી રહ્યા છે. તેમની આ થીમ અંતર્ગત તેઓ પંદર હજારથી વધુ રોપાઓનું વિતરણ કરી રહ્યા છે. બે અર્બન ફોરેસ્ટ તૈયાર કરશે અને વિવિધ સ્કૂલો સાથે ઓનલાઈન માધ્યમથી સંકળાઈને પાંચ હજારથી વધુ વિદ્યાર્થીઓ અને યુવાનો સાથે જાગૃતિના કાર્યો કરી રહ્યા છે.
ગાંધીજી અને સરદાર અહીં કરે છે કાલ્પનીક સંવાદ
‘ટ્રી ગણેશા’ ના ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન’ ની થીમમાં ગણેશ પંડાલમાં મહાત્મા ગાંધી અને સરદારની પ્રતિમાઓ મૂકવામાં આવી છે અને વૈકુંઠમાં બેઠેલા ગાંધી અને સરદાર પર્યાવરણની ગંભીરતા વિશે ચર્ચા કરી રહ્યા છે અને તેઓ સંવાદના માધ્યમથી પ્રદૂષણની સામે સત્યાગ્રહ આદરવા માટે લોકોને પ્રેરણા આપી રહ્યા છે. સાથે જ અહીં પંડાલમાં ‘વોલ ઑફ ક્લાઈમેટ ક્રાઈસીસ’ અને ‘વોલ ઑફ હોપ’ નામની બે દીવાલો રાખવામાં આવી છે. જેમાં એક તરફ પર્યાવરણમાં થયેલી ખુંવારી અને હાલમાં માનવજાતની સામે ઊભી રહેલી સમસ્યાઓને દર્શાવવામાં આવી છે. તો એક તરફ વ્યક્તિગત ધોરણે કયા પગલાં લઈ શકાય અને પર્યાવરણ શુદ્ધિમાં પોતાનું યોગદાન આપી શકાય તે વિશેની માહિતી આપવામાં આવી છે.
![સુરતમાં 'ટ્રી ગણેશા' ના માધ્યમથી પ્રદૂષણ સામે સત્યાગ્રહ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-sur-tree-ganesha-7200931_18092021142307_1809f_1631955187_985.jpg)
ઉત્સવની સાથે જન જાગૃતિ પણ થવી જોઈએ
આ પ્રકારની યુનિક થીમ સાથે ‘ટ્રી ગણેશા’ નું આયોજન કરનારા વિરલ દેસાઈએ જણાવ્યું હતું કે, આ થીમનું મુખ્ય લક્ષ્ય છે કે જન જન સુધી પર્યાવરણની ગંભીરતા વિશેની માહિતી પહોંચાડીએ અને જન જનને આ સત્યાગ્રહમાં સાંકળીને પ્રદૂષણની સામે જંગ છેડીએ. આ જંગ ગાંધીજીના માર્ગે જ અહિંસક હશે અને એમાં વ્યક્તિગત ધોરણે આપણે કયા પગલાં લઈ શકીએ એ વિશેની વાતો હશે. ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન’ અંતર્ગત અમે આગામી એક વર્ષમાં અઢી લાખથી વધુ વૃક્ષોનું પણ વાવેતર કરવાના છીએ.
![સુરતમાં 'ટ્રી ગણેશા' ના માધ્યમથી પ્રદૂષણ સામે સત્યાગ્રહ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-sur-tree-ganesha-7200931_18092021142307_1809f_1631955187_431.jpg)
એક શાળાને દત્તક લઈ વર્ષભર શાળાને આપશે શાકભાજીના રોપા
ગણેશ મહોત્સવ દરમિયાન ‘ટ્રી ગણેશા’ ની મુલાકાતે આવેલી ‘સંસ્કાર વિદ્યાભવન’ શાળાને વિરલ દેસાઈએ દત્તક લેવાની જાહેરાત કરી હતી. આ અંતર્ગત વિરલ દેસાઈએ જાહેરાત કરી હતી કે, તેઓ સંસ્કાર વિદ્યાભવનને એક વર્ષ સુધી વિવિધ શાકભાજીના રોપા આપશે અને એક વર્ષ સુધી ત્યાંની શાકભાજીની જવાબદારી તેઓ પોતે લેશે. ઉલ્લેખનીય છે કે, સંસ્કાર વિદ્યાભવન એક ઉડીયા માધ્યમની શાળા છે.