- સુરતની પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રીમાં હાલ મંદીનો માહોલ
- વર્તમાન સમયમાં 40થી 50 ટકા પેપરના ભાવમાં વધારો
- સાડીના કેટલોગમાં પણ 20થી 25 ટકાનો વધારો
સુરત : સુરત ઓફસેટ પ્રિન્ટર એસોસિએશનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, પેપર ઇન્ડસ્ટ્રી અને કેટલોગ પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રી હાલ મંદીના સમયમાં પસાર થઇ રહી છે. કોરોનાના કારણે વિશ્વમાં લોકડાઉનની પરિસ્થિતિ ઉભી થઇ અને પેપરના કાચા માલની અછત સર્જાઈ જેના કારણે સુરતમાં કેટલોગ પ્રિન્ટિંગ ઉદ્યોગ ભારે સંકટથી પસાર થઈ રહ્યું છે.
સુરતના ટેક્ષ્ટાઈલ ઉદ્યોગો, લઘુઉદ્યોગોએ પોષણક્ષમ દરે સ્વદેશી સસ્તા મશીન્સ બનાવ્યા : સ્મૃતિ ઈરાની
- પેપરના ભાવમાં 40થી 50 ટકા વધારો નોંધાયો
સુરત ટેક્સટાઇલ ઉદ્યોગની વાત કરવામાં આવે તો કેટલોગ પ્રિન્ટિંગના કારણે જ મોટી સંખ્યામાં વેપારીઓને લાભ થતો હોય છે પરંતુ હાલ આ ઇન્ડસ્ટ્રી મંદીમાંથી પસાર થઇ રહી છે. લોકડાઉન લાગવા પર પેપર વેસ્ટેજની ભારે અછત હોવાથી પેપર ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ હજારો ટનના કાગળનો વેપાર કેન્સલ કરવાથી હાલ વર્તમાનમાં 40થી 50 ટકા પેપરના ભાવમાં વધારો થયો છે. આ ઉપરાંત ગમ કેમિકલ ફિલ્મ, પીવીસી પોલિસ્ટર ફિલ્મ પ્રિન્ટીંગ મટીરીયલના ભાવમાં પણ વધારો થવાથી વર્તમાન પરિસ્થિતિમાં સમગ્ર સામગ્રીમાં 30 ટકાનો ભાવ વધારો થયો છે. જેના કારણે સાડીના ઉપયોગ માટે કરવામાં આવતા કેટલોગમાં પણ 20થી 25 ટકાનો ભાવ વધારો થયો છે.
- ઉદ્યોગ સાથે 15 હજાર જેટલા લોકો જોડાયેલા છે
એસોસિએશન દ્વારા જણાવાયું હતું કે, આ ઉદ્યોગના કારણે સુરત ટેક્સટાઇલ વિશ્વભરમાં જાણિતું છે. આ ઉદ્યોગ સાથે 15 હજાર જેટલા લોકો જોડાયા છે. હાલ 400 પ્રિન્ટરો તેમને રોજગારી આપે છે. ઉપરાંત પેપરના ભાવમાં વધારો થતાં આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો સંકટના સમયમાંથી પસાર થઇ રહ્યા છે. તેની અસર સાડી અથવા ડ્રેસ મટિરિયલ સાથે સંકળાયેલા વેપારીઓને પણ થશે.