સુરત : અનલોકમાં જે રીતે ધીમી ગતિથી દેશભરના ધંધા-ઉદ્યોગો બેઠા થઇ રહ્યા છે તે રીતે સુરતની કરોડરજ્જુ સમાન ગણાતી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં પણ કાપડનું ઉત્પાદન શરૂ થઈ રહ્યું છે. અસલ સિલ્કનું કાપડ મોંઘું પડવાના કારણે લોકો તેની અવેજીમાં આર્ટ સિલ્ક ફેબ્રિક વાપરી રહ્યા છે. જે આબેહૂબ અસલ સિલ્કની જેમ તૈયાર થતા તેની હાલમાં ભારે માગ ઉભી થઇ છે.
કોરોનાના પગપેસારા પહેલા ચાલુ વર્ષમાં લગ્નસરાની સિઝનના કારણે શહેરના 1200 મશીનો પર અસલ સિલ્ક ઉત્પાદિત થતું હતું. પરંતુ હાલની સ્થિતિમાં મોંઘું કાપડ ખરીદવા નથી માંગતા જેને પગલે આર્ટ સિલ્ક ચલણમાં આવી રહ્યું છે.
સામાન્યરીતે ઓરિજીનલ સિલ્કનું કાપડ રૂપિયા 200થી 300 એક મીટર દીઠ તૈયાર થતું હોય છે. સામાન્ય સાડી પણ રૂપિયા 4000થી 5000માં તૈયાર થતી હોય છે. જેના કારણે શહેરના ઉત્પાદકો પાસે માંડ દસ ટકા જેટલું પ્રોડક્શન રહે છે. તેની જગ્યાએ મેનમેડ આર્ટ સિલ્કનું ફેબ્રિક પ્રતિદિન અંદાજે 3થી 4 લાખ મીટરનું પ્રોડક્શન થાય છે.
આ અંગે FIASWI એટલે કે ફેડરેશન ઓફ ઇન્ડિયન આર્ટ સિલ્ક વિવીંગ ઇન્ડસ્ટ્રી ચેરમેન ભરત ગાંધીએ જણાવ્યું હતું કે, આર્ટ સિલ્કની 60થી 70 ટકા ઉત્પાદન ક્ષમતામાં બનાવટ થઇ રહી છે. બેંગ્લોરની સરખામણીએ સુરતમાં અસલ અને આર્ટ બંને સિલ્કનું ઉત્પાદન સારુ છે. આગામી લગ્નસરાની સિઝનના કારણે કદાચ અસલ સિલ્કની માગ ઉભી થઇ શકે, નહીં તો જ્યાં સુધી આર્ટ સિલ્કની ડિમાન્ડ છે ત્યાં સુધી અંદાજે 1.5 લાખ મીટર પૈકી 50 ટકા જેટલું એક્સપોર્ટ ગલ્ફમાં થઈ રહ્યું છે.
સુરતથી શ્વેતા સિંહનો વિશેષ અહેવાલ...