- સુરત સર્કિટ હાઉસ ખાતે દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનિષ સિસોદિયા સાથે પ્રવિણ રામની મુલાકાત
- દિલ્હી મોડલથી પ્રભાવિત થઈ તેઓ મનિષ સિસોદિયાને મળવા આવ્યા હતા
- રાજકારણમાં આવવું છે કે નહીં તે સંગઠન સાથે ચર્ચા કરી જાણ કરશે
સુરત: ગુજરાતના આંદોલનકારી અને યુવા નેતા તરીકે પોતાની ઓળખ બનાવનારા પ્રવિણ રામ સુરત સર્કિટ હાઉસ ખાતે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા સાથે મુલાકાત કરતા ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. જોકે, પોતાની મુલાકાતને લઇને પ્રવિણ રામે સ્પષ્ટ કર્યું છે કે દિલ્હી મોડલથી પ્રભાવિત થઇ તેઓ મનિષ સિસોદિયાને મળવા આવ્યા હતા. રાજકારણમાં આવવું છે કે નહીં તે સંગઠન સાથે ચર્ચા કરી આ અંગે જાણ કરશે.
ગુજરાત રાજકારણમાં ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે
આંગણવાડીની બહેનો અને સરકારી કોન્ટ્રાક્ટના કર્મચારીઓ સહિત વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા આપનાર અને તેમના ન્યાય માટે આંદોલન કરનાર પ્રવિણ રામ સુરત સર્કિટ હાઉસ ખાતે જ્યારે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાને મળ્યા તેને લઈ ગુજરાત રાજકારણમાં ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે. છેલ્લા ઘણા સમયથી જે રીતે ભાજપના અને કાર્યકર્તાઓ અને રાજ્યના યુવાઓ આમ આદમી પાર્ટી તરફ આકર્ષી રહ્યા છે, ત્યારે બીજી બાજુ પ્રવિણ રામ જે રીતે મનીષ સિસોદિયા સાથે મળ્યા અને વાતચીત કરી તેને લઈને અટકળો ચાલી રહી છે કે, ટૂંક સમયમાં પ્રવિણ રામ પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે.
આ પણ વાંચો: દિલ્હીમાં મનીષ સિસોદિયાને કોરોનાના નોડલ પ્રધાન બનાવાયા
ગુજરાતના રાજકારણમાં ભારે ચર્ચા વ્યાપી છે
આજે દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનિષ સિસોદિયા સુરતની મુલાકાતે છે. તેઓ સમાજના આગેવાનો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ખાસ ચર્ચા કરી રહ્યા હતા અને આ વચ્ચે ગુજરાતના યુવા આંદોલનકારી અને સૌરાષ્ટ્રના બેલ્ટ પર ખૂબ જ સારી છબી ધરાવનારા પ્રવિણ રામ આજે મનીષ સિસોદિયા સાથે સર્કિટ હાઉસમાં મુલાકાત કરી હતી, તસવીરો જોઈ રાજકારણ ગરમાયુ છે. કારણ કે જે રીતે આમ આદમી પાર્ટી પોતાનો વ્યાપ વધારી રહી છે. તેમાં લોકોના પ્રશ્નોને વાચા આપનાર પ્રવિણ રામ મનીષ સિસોદિયાને મળ્યા તેથી ગુજરાતના રાજકારણમાં ભારે ચર્ચા વ્યાપી છે.

આ પણ વાંચો: દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદિયા આજે રાજકોટમાં યોજશે રોડ શૉ
રાજકારણમાં આવવું છે કે નહીં તે સંગઠન સાથે કરશે ચર્ચા
આ અંગે પ્રવિણ રામે જણાવ્યું હતું કે, તેઓ અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા દ્વારા જે રીતે દિલ્હીમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું છે, સાથે સ્વાસ્થ્ય ક્ષેત્રે પણ ઉત્કૃષ્ટ કાર્ય કરાયું છે, તે અંગેની ચર્ચા કરવા માટે તેઓએ મનીષ સિસોદિયા સાથે મળ્યા હતા. રાજકારણમાં આવવું છે કે નહીં તે સંગઠન સાથે ચર્ચા કરશે અને આવનારા દિવસોમાં તે અંગેની જાહેરાત કરશે.