સુરત ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી સુરત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં મેગા- ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરની શાળાઓ ટ્રાફિક પોલીસના નિશાના પર રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી પોલીસ દ્વારા શહેરની શાળા સંચાલકો અને વાલીઓને ટ્રાફિકના નિયમો અને બાળકોને વગર લાઇસન્સે વાહન ન હંકારવા અંગેની સમજણ આપવામાં આવી હતી પરંતુ તેમ છતાં વાલીઓ અને શાળા દ્વારા ઉદાસીન વલણ દાખવતા આખરે ટ્રાફિક પોલીસે આ મેગા ડ્રાઇવ શરૂ કરી છે અને વિદ્યાર્થીઓ સામે શાળા બહાર જ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ટ્રાફિક પોલીસ દ્વારા રાંદેરના પાલનપુર વિસ્તારમાં આવેલી સંસ્કાર ભારતી વિદ્યાલય બહાર મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં શાળા છુટયા બાદ બહાર નીકળતાં વિદ્યાર્થીઓને અટકાવી લાઇસન્સ, આરસીબુક સહિતના પુરાવા માંગવામાં આવ્યા હતા જ્યાં કેટલાક વિદ્યાર્થીઓ વગર લાઇસન્સે વાહન હંકારતા હોવાનું બહાર આવતાં આરટીઓ મેમો ફટકારવાની સાથે દંડ સહિતની કાર્યવાહી તેમજ વાહન જપ્તી સુધીની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસની કાર્યવાહી દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓની આંખોમાં અશ્રુઓ પણ આવી ગયા હતા. જેને લઇ પોલીસે વિદ્યાર્થીઓના વાલીઓને સ્થળ પણ બોલાવવાની ફરજ પડી હતી. પોલીસે વાલીઓ પાસેથી સ્થળ પર જ દંડની કાર્યવાહી કરી તેમજ આરટીઓ મેમો પકડાવવાની ફરજ પડી હતી ત્યારે આ મામલે વાલીઓએ પણ હવે પોતાના બાળકોના લાયસન્સ કરાવ્યા બાદ જ વાહન હંકારવા આપશે તેવી બાહેંધરી આપી હતી.