- ચોરને પકડવા જતા એક યુવાનને મોત મળ્યું
- ભાગવા જતા આરોપીને પકડવા ત્રણેય ભાઇઓએ દોટ મૂકી હતી
- એક ચોરે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા યુવાનનું કરુણ મોત
સુરત: પાંડેસરા વિસ્તારમાં એક ઘરમાં ચોરી કરવા આવેલા ચોરોને ભનક લાગી કે તેમની ચોરી હવે ઘરવાળા પકડી પાડશે જેથી તેઓ ભાગવા લાગ્યા હતા, તે દરમિયાન ઘરનો એક યુવાન તેમનો પીછો કરી રહ્યો હતો. પોતે પકડાઈ જવાના ડરથી એક ચોરે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દેતા યુવાનનું કરુણ મોત નીપજયું હતું.
ચોરે યુવકનો જીવ લીધો
પાંડેસરા વિસ્તારમાં વધુ એક કિસ્સામાં માસૂમનો ભોગ લેવાયો હતો, જેમાં ચોરી કરવા આવેલા આરોપીને પકડવા જતા એક યુવાનને મોત મળ્યું હતું. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી મણીનગર સોસાયટીમાં રહેતા વિરેન્દ્ર ગુપ્તા પાનનો ગલ્લો ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. વિરેન્દ્ર તેના અન્ય બે ભાઈઓ સાથે ત્યાં રહે છે. દરમિયાન રાત્રીના ત્રણ વાગ્યાના અરસામાં એક અજાણ્યો યુવાન તેમના ઘરમાં ચોરી કરવા માટે ઘૂસ્યો હતો .જો કે આ દરમિયાન ત્રણે ત્રણ ભાઈઓ જાગી જતાં ચોર ઈસમે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ભાગવા જતા આરોપીને પકડવા ત્રણેયે દોટ મૂકી હતી. આ દરમિયાન વીરેન્દ્રએ આરોપીને ઝડપી પાડ્યો હતો.
વીરેન્દ્ર પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો
જો કે આરોપીએ તેના હાથમાંથી છૂટવા માટે વીરેન્દ્ર પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો અને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. બાદમાં બન્ને ભાઈઓએ 108 મારફતે ઇજાગ્રસ્ત ભાઈને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો, જ્યાં તબીબે તેને મૃત ઘોષિત કર્યો હતો. બીજી તરફ આ ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસ અને ઉપરી અધિકારીની ટીમે ઘટનાસ્થળે પહોંચી જઇ તપાસ શરૂ કરી હતી. અત્યારે પોલીસે આસપાસના તમામ સીસીટીવીની તપાસ હાથ ધરી વધુ તપાસ શરૂ કરી હતી.
વધુ વાંચો: છત્તીસગઢનો વેપારી સુરતમાં રીક્ષામાં ભૂલી ગયો દાગીના ભરેલી બેગ, જાણો પછી શું થયું
વધુ વાંચો: છેલ્લા 12 વર્ષથી આ ગંભીર બીમારીનો સામનો કરી રહી હતી NRI મહિલા, સુરતમાં કરવામાં આવી સફળ સર્જરી