- AAPના નેતાઓ પર થયેલા હુમલા અંગે કાર્યકરોમાં રોષ
- કલેક્ટરને આવેદનપત્ર આપીને સખ્ત કાર્યવાહીની માગ
- ઈસુદાન, મહેશ સવાણી સહિતના નેતા પર હુમલો થયો હતો
સુરત : બુધવારે સાંજે વિસાવદરના લેરિયા ગામે AAPના ઈસુદાન ગઢવી, મહેશ સવાણી, પ્રવીણ રામ સહિતના નેતાઓ પર થયેલા હુમલાને લઈને AAP કાર્યકરોમાં રોષ ફેલાયો છે. આ ઘટનાને લઈને AAPના સુપ્રિમો અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પણ ટ્વિટ કરીને સંવેદના વ્યક્ત કરી છે. ઘટનાના બીજા દિવસે સુરતમાં AAPના કાર્યકરો દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
અરવિંદ કેજરીવાલે કર્યું ટ્વિટ
AAPના સુપ્રિમો અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું હતું કે, "ઇસુદાન, મહેશ સવાણી જેવા લોકો પર ગુજરાતમાં હુમલો થતો હોય તો ગુજરાતમાં કોઈ સુરક્ષિત નથી. આમ આદમી પાર્ટીના જનસંવેદના કાર્યક્રમ દરમિયાન વિસાવદરના લેરીયા ગામે થયેલી હિચકારી હુમલાની ઘટનામાં ફરિયાદ નોંધાવવા AAPના નેતાઓ ગતરાત્રિથી જ વિસાવદર પોલીસ સ્ટેશન બહાર ધરણાં પર બેસી જઈ રામધૂન બોલાવી હતી."
ગુજરાતની રાજનિતીમાં ગરમાવો
આ ઘટનાને લઈને ગુજરાતમાં પણ રાજનીતિમાં ગરમાવો આવવાની સાથે સાથે આરોપો-પ્રત્યારોપોનો દોર પણ શરુ થઇ ગયો છે. ત્યારે સુરતમાં AAPના કાર્યકરોએ આ હુમલાના વિરોધમાં સુરત કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત પણ કરી હતી. આવેદનપત્ર આપવા આવેલા કાર્યકરોએ સુરત કલેક્ટર કચેરી બહાર સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
ભાજપના કાર્યકરોએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ
આવેદનપત્ર આપવા આવેલા AAP નેતા સ્વાતિબેને જણાવ્યું હતું કે, AAPના ના ઈસુદાન ગઢવી, મહેશ સવાણી, ગોપાલ ઈટાલિયા, પ્રવીણ રામ સહિતના કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો છે. હુમલાખોરો પર સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવાની માગ સાથે આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. તેમણે આ હુમલો ભાજપના કાર્યકરો દ્વારા કરાયો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.