- વેક્સિન સેન્ટર ખાતે લાફિંગ થેરાપીનું કરાયુ આયોજન
- વેક્સીન લેવા આવતા લોકો માટે લાફિંગ થેરાપિસ્ટ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું
- કમલેશ મસાલાવાળાએ લોકોને પેટ પકડીને હસાવ્યાં
સુરતઃ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રોજના રેકોર્ડ બ્રેક કેસ સામે આવી રહ્યા છે. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. સુરતમાં તંત્ર દ્બારા વેક્સિનેશનની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે. ત્યારે રીગા સ્ટ્રીટ, કેનાલ રોડ, વેસુ ખાતે વેક્સિનેશન સેન્ટર પર વેક્સિનેશન લેવા આવેલા લોકો માટે લાફિંગ થેરાપિસ્ટ કમલેશ મસાલાવાળા દ્વારા લાફિંગ થેરેપી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ વડોદરામાં કોરોનાગ્રસ્ત દર્દીઓનો તણાવ દૂર કરવા મ્યુઝિક થેરાપી અપાઇ
વેક્સિનેશન લેવા આવેલા તમામ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો
કમલેશ મસાલાવાળાએ લોકોને પેટ પકડીને હસાવ્યાં હતા. સુરતના લાફિંગ થેરાપીસ્ટ કમલેશ મસાલાવાલાએ વેક્સિન લેવા આવેલા લોકોને હાસ્ય થેરેપી આપીને થોડા સમય માટે હળવા કરી નાખ્યાં હતાં. વેક્સિન લેવા લોકોની કતારો લાગે છે. પરિણામે એકાદ કલાક જેટલો સમય લોકોને રાહ જોવામાં વેડફાઈ જાય છે. ત્યારે વેક્સિનેશન સેન્ટર પર આવેલા તમામ લોકોના સમયનો સદુપયોગ થાય તે માટે લાફ્ટર સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. એક કલાકના સેશનમાં વેક્સિનેશન લેવા આવેલા તમામ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ પણ વાંચોઃ એક ગુજરાતીએ લાફ્ટર યોગા થેરાપી દ્વારા કાશ્મીરીઓને હસાવ્યા
શરીરમાં ઓક્સિજન લેવલને વધારવા માટે હાસ્ય થેરાપી આજે સૌથી ઉપયોગી સારવાર
હાસ્ય વ્યક્તિને ડીપ ડિપ્રેશન અને માનસિક તાણમાંથી બહાર લાવવા માટેની ઉત્તમ ઔષધિ છે. હાસ્ય થેરાપીની મદદથી વ્યક્તિ આવી સ્થિતિમાં પણ સ્વસ્થ રહી શકે છે. કોરોના સંક્રમણને કારણે ઘણા લોકોનું ઓક્સિજન લેવલ ઓછું થવાના કારણે મોતને ભેટ્યા છે અથવા તો હોસ્પિટલમાં દાખલ થઈ સારવાર લેવાની ફરજ પડી રહી છે. હાસ્ય થેરેપીથી શરીરમાં એક પ્રકારનો ઉત્સાહનો સંચાર થાય છે. ઓક્સિજન લેવલમાં નોંધપાત્ર વધારો થાય છે. કોઈપણ દવા લીધા વગર શરીરમાં ઓક્સિજન લેવલને વધારવા માટે હાસ્ય થેરાપી આજે સૌથી ઉપયોગી સારવાર પૈકીની એક બની ગઈ છે.