સુરતઃ જિલ્લામાં રોજ 260થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. આ કેસોની સંખ્યા લોકોમાં ચિંતા ઊભી કરે એવી છે. ત્યારે રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ સુરતમાં મોટું નિવેદન આપ્યું છે કે, આગામી બેથી ત્રણ અઠવાડિયામાં કોરોનાના કેસમાં વધારો જોવા મળશે. એટલે કેસોની સંખ્યા પીક પર હશે. જેથી કોરોના સંક્રમણથી બચવા લોકો સોશિયલ ડિસ્ટનસિંગ અને માસ્ક પહેરીને જ ઘર ની બહાર નીકળે.
જયંતિ રવિનું નિવેદન સુરતીઓ માટે ચિંતાનો વિષય છે. જો કે આ સાથે જયંતિ રવિએ જણાવ્યું હતું કે, તમામ પરિસ્થિતિઓ માટે તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. જેના કારણે કોરોના પોઝિટિવ કેસમાં ઘટાડો પણ જોવા મળશે.
સુરત શહેર સહિત જિલ્લામાં કોરોના વિસ્ફોટ
- અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 7274
- અત્યાર સુધીમાં કુલ મોત 283
- કુલ 4352 દર્દીઓ રિકવર થયા
માત્ર સુરત ગ્રામ્યની વાત કરીએ તો, આજે શુક્રવારના રોજ રેકોર્ડબ્રેક 96 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ સુરત ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવની કુલ સંખ્યા 1,057 થઇ છે. ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ દર્દીઓની કુલ સંખ્યા 493 નોંધાઇ છે. સુરત ગ્રામ્યમાં કુલ 32 દર્દીઓના મોત થયા છે અને 532 દર્દીઓ સારવાળ હેઠળ છે.