- માત્ર પુરુષો જ કરે છે આ હોળીની પૂજા
- ગાયકવાડ સમયથી ચાલી આવી છે આ પરંપરા
- ગામમાં દર વર્ષે બે હોળી પ્રગટે છે
સુરત: જિલ્લામાં હોળીનો તહેવાર કે અન્ય હિન્દુ તહેવારોની ઉજવણીનો ઉત્સાહ ફિક્કો થઈ રહ્યો છે, ત્યારે કોઈક જગ્યાએ આ તહેવાર પ્રાચીન પરંપરા અને એ જ અદબ અને માન સાથે ઉજવવામાં આવે છે. આવું જ કંઈક સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અંત્રોલી ગામમાં જોવા મળે છે. જ્યારે દેશ પર અંગ્રેજોનું શાસન હતું ત્યારે વડોદરા એક ગાયકવાડી સ્ટેટ હતું. આ અંત્રોલી ગામ ગાયકવાડી સ્ટેટમાં આવતું હતું.
આ પણ વાંચો: ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા પાસેથી જાણો હોળીનું મહત્વ
આજુબાજુના ગામનો વહીવટ કરવા માટે જાગરીદારો અંત્રોલીમાં રહેતા હતા
અંત્રોલી ગામમાં તેમજ આજુબાજુનો વિસ્તારનો વહીવટ કરવા માટે જાગીરદારો અંત્રોલી ગામમાં રહેતા હતા. જાગીરદારો દરેક તહેવાર ઉત્સાહ અને આનંદથી ઉજવતા હતા, પરંતુ તેમના ઘરની સ્ત્રીઓ ઘણી માન મર્યાદામાં રહેતી હોય સ્ત્રીઓ જાહેરમાં કોઈ તહેવાર કે પ્રસંગની ઉજવણી વખતે બહાર અવતી ન હતી. હોળીના પર્વમાં પણ કંઈક આવું જ હતું. જેથી અંત્રોલી ગામમાં જાગીરદારના સમયથી બે હોળી પ્રગટાવવામાં આવે છે.
મુખ્ય હોળી પ્રગટાવ્યા બાદ જાગીરદારોની હોળી પ્રગટાવાય છે
ગામની એક મુખ્ય હોળી પ્રગટાવ્યા બાદ જાગીરદાર જે જગ્યાએ રહેતા હતા, તે જુના ફળિયામાં બીજી હોળી પ્રગટાવામાં આવતી હતી. જેથી જાગીરદારના ઘરની સ્ત્રીઓ પણ હોળીનાં દર્શન કરી શકે. જોકે, હોળીની મુખ્ય પૂજા-વિધિ અંત્રોલી ગામના પુરુષો કરતા હતા. જે પરંપરા આજે પણ તેવી જ રીતે અકબંધ છે. આજે પણ અંત્રોલી ગામના પાદરે મુખ્ય હોળી પ્રગટયા બાદ જાગીરદારનું આંગણું જયાં હતું તે જ જગ્યાએ પુરુષો હોળીની પૂજા-અર્ચના કરી હોળી પ્રગટાવે છે. પ્રાચીન પરંપરા અને સંસ્કૃતિનાં દર્શન આજે પણ થાય છે. આજે અંત્રોલી ગામે વર્ષોથી ચાલતી પરંપરા મુજબ ગામના પાદરે પ્રથમ હોળી પ્રગટાવ્યા બાદ જાગીરદાર જે જગ્યાએ હોળી પ્રગટાવતા હતા તે જગ્યાએ હોળી પ્રગટાવી પૂજા અર્ચના કરવામાં આવી હતી.
આ પણ વાંચો: અનિષ્ટો અને વ્યસનના પ્રતીક સમા વાલમ બાપાની વાજતે-ગાજતે કાઢવામાં આવી નનામી
મહિલાઓ દર્શન કરી શકે તે માટે ઘર આંગણે પ્રગટાવવામાં આવતી હતી હોળી
આ અંગે અંત્રોલી ગામના દીપન દેસાઈએ જણાવ્યું હતું કે, અમારું ગામ ગાયકવાડી સ્ટેટ હેઠળ આવતું હતું. તે સમયે જાગીરદારો આજુબાજુના ગામનો વહીવટ કરવા માટે અંત્રોલીમાં રહેતા હતા. જાગીરદારોના ઘરની મહિલાઓ માન-મર્યાદામાં રહેતી હોવાથી તેઓ હોળી પ્રગટાવવા માટે જાહેર સ્થળ પર આવતી ન હતી. આથી તેમના ઘરની સામે વિશેષ હોળી પ્રગટાવવામાં આવતી હતી. જેથી મહિલા ઘરમાંથી હોળીના દર્શન કરી શકે. વર્ષો જૂની આ પરંપરા આજે પણ ગામમાં જળવાયેલી જોવા મળે છે.