ભારત અને થાઇલેન્ડ વચ્ચે પરસ્પર વેપાર વધારવા માટેની તક
વિશ્વમાં કુલ જ્વેલરીના વેચાણમાંથી 71 ટકા હિસ્સો ગોલ્ડ જ્વેલરીનો
સુરતના ઉદ્યોગકારોને થાઇલેન્ડમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની મુલાકાત માટે આમંત્રણ
સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ઝૂમ એપના માધ્યમથી ‘જેમ એન્ડ જ્વેલરી કલસ્ટરમાં ભારત અને થાઇલેન્ડ વચ્ચે પરસ્પર વેપાર વધારવા માટેની તક અને પડકારો વિશે વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિશ્વમાં કુલ જ્વેલરીના વેચાણમાંથી 71 ટકા હિસ્સો ગોલ્ડ જ્વેલરીનો
વેબિનારમાં થાઇલેન્ડથી જોડાયેલા ક્રિસેન્ડોએ ભારત અને થાઇ ઓડિયન્સને આવકાર્યા હતા અને જણાવ્યું હતું કે, વિશ્વમાં કુલ જ્વેલરીના વેચાણમાંથી 71 ટકા હિસ્સો ગોલ્ડ જ્વેલરીનો છે. વિશ્વમાં જેટલી જ્વેલરી વેચાય છે. તેમાંથી 29 ટકા જ્વેલરી ભારતમાં બને છે. હાલમાં ભારતનું જ્વેલરી માર્કેટ 103 બિલીયન ડોલરનું આંકવામાં આવે છે. વૈશ્વિક સ્તરે ભારતની ઓનલાઇન વેચાણની માર્કેટ સૌથી વધુ વિકાસ પામતી માર્કેટ છે.
જેમ એન્ડ જ્વેલરી કલસ્ટરને ડેવલપ કરવા માટે મહત્વની ચર્ચા
આ વેબિનારમાં ચેમ્બર ઓફ કોમર્સ ઓફ ચાંતાબુરી પ્રોવિન્સ, થાઇલેન્ડના ચેરમેન તેમજ કમિટી ઓફ ધી જેમ એન્ડ જ્વેલરી ઇન્સ્ટીટયુટ ઓફ થાઇલેન્ડ મિસ્ટર ચાઇપોન્ગ નિયોમ્કીજે જણાવ્યુું હતું કે, થાઇલેન્ડનું ચાંતાબુરી પ્રોવિન્સ એ જેમ્સ સ્ટોનનું હબ છે. આથી તેમણે સુરતના ઉદ્યોગકારોને થાઇલેન્ડમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની મુલાકાત માટે આમંત્રણ આપ્યું હતું. તેમણે જેમ એન્ડ જ્વેલરી કલસ્ટરને ડેવલપ કરવા માટે મહત્વની ચર્ચા કરી હતી.
મુક્ત વેપાર કરારમાં રહેલી મર્યાદા વિશે ચર્ચા
થાઇ જેમ એન્ડ જ્વેલરી ટ્રેડર્સ એસોસીએશન અને ઇન્ડિયન–થાઇ ડાયમંડ એન્ડ કલરસ્ટોન એસોસીએશનની સાથે સંકળાયેલા અતુલ જોગાણીએ ભારત અને થાઇલેન્ડ વચ્ચેના વેપારમાં તેમના 35 વર્ષના અનુભવને વર્ણવ્યો હતો. સાથે જ તેમણે હાલના મુક્ત વેપાર કરારમાં રહેલી મર્યાદા વિશે ચર્ચા કરી પરસ્પર વેપારમાં સરળીકરણ માટે નીતિ ઉકેલો ઉપર ધ્યાન કેન્દ્રીત કરવા જણાવ્યું હતું.સુરતની સી. દિનેશ એન્ડ કંપનીના ડાયરેકટર જિગર જોશીએ પરસ્પર લાભ માટે થાઇલેન્ડ સાથેનો વેપાર કેવી રીતે વધારવો તે દિશામાં કેટલાક સૂચનો રજૂ કર્યા હતા.
દેશોના ઉદ્યોગકારો વચ્ચે બિઝનેસ મિટીંગ ગોઠવવામાં આવશે
થાઇ કોન્સ્યુલેટ્સ કોમર્શિયલ સેકશન, મુંબઇ ખાતેના ડાયરેકટર સુપાત્રાએ જણાવ્યું હતું કે, ભારત અને થાઇલેન્ડના ઉદ્યોગકારો એકબીજાના પરિચયમાં આવે તે માટે તેઓને એકજ પ્લેટફોર્મ ઉપર લાવવા માટે તેમજ ઉદ્યોગકારો પોતાની પ્રોડકટ્સને પ્રદર્શિત કરી શકે તે માટે પ્રયાસ કરવામાં આવશે. સાથે જ ભવિષ્યમાં બંને દેશોના ઉદ્યોગકારો વચ્ચે બિઝનેસ મિટીંગ ગોઠવવામાં આવશે.