સુરત: શહેરમાં શરૂ થયેલી ઈચ વન પ્લાન્ટ વન ટ્રી પ્લાન્ટેશનની ચળવળને દેશ સહિત-વિદેશના ભારતીયોએ વધાવી લીધી છે. આ ચળવળને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પત્ર લખી બિરદાવી છે. સુરતના હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશ થોડા દિવસો પહેલા ‘ટ્રી ગણેશા, ઈચ વન પ્લાન્ટ વન’ મુવમેન્ટ શરૂ કરવામાં આવી હતી. જેને દેશના અન્ય શહેરો સહિત દુનિયાભરમાં વસતા ભારતીયોને ગણેશ ઉત્સવની ઉજાણી દરમિયાન વૃક્ષારોપણ કરવાની અપીલ કરી હતી.

લોકો વધુમાં વધુ વૃક્ષારોપણ કરે એ માટે સુરતના વિરલ દેસાઈ દ્વારા હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશનના માધ્યમથી ‘ટ્રી ગણેશા, ઈચ વન પ્લાન્ટ વન’ મુવમેન્ટ છેડી હતી. જેને દેશની સાથે ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને યુરોપમાં વસતા ભારતીયોએ વધાવી લીધી હતી. તેમણે પણ મોટી સંખ્યામાં આ ચળવળ સાથે જોડાવાની બાંહેધરી આપી હતી.
હાર્ટસ એટ વર્ક ફાઉન્ડેશના વિરલ દેસાઈ પાછલા અનેક વર્ષોથી ‘ટ્રી ગણેશા’ને નામે ગણેશ ઉત્સવની ઉજવણી કરે છે. જેમાં તેઓ વૃક્ષમાં જ ગણેશજીની સ્થાપના કરીને તેની અર્ચના કરે છે અને ગણેશોત્સવના દસ દિવસ દરમિયાન પર્યાવરણ જાગૃતિના કાર્યો કરે છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા સાવચેતીના ભાગરૂપે ‘ટ્રી ગણેશા’ની ઉજવણી તેઓ જુદી રીતે કરી રહ્યાં છે.
આ અભિયાન અંતર્ગત તેમણે દેશ ઉપરાંત વિદેશમાં વસતા ભારતીયોને અરજ કરી છે. જો દરેક ભારતીય ગણેશ ઉત્સવ દરમિયાન પોતાના ઘરની પાસે અથવા અન્ય કોઈ પણ જગ્યાએ માત્ર એક વૃક્ષ રોપશે તો પણ આપણે બધા ભારતીયો દુનિયાને એ પુરવાર કરી આપીશું કે આ ઉત્સવ દરમિયાન આપણે પર્યાવરણના ક્ષેત્રમાં કેવી મોટી અસર ઊભી કરી શકીએ છીએ.

ટ્રી પ્લાન્ટેશનની આ ગ્લોબલ ચળવળમાં જોડાવા માટે એક રજિસ્ટ્રેશન ફોર્મ પણ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં રજિસ્ટર કરીને અનેક ભારતીયોએ ગણેશ ઉત્સવ દરમિયાન એક વૃક્ષ રોપવા માટેની તૈયારી દાખવી છે.
