- વાવાઝોડાએ સુરત શહેરમાં પણ તારાજી સર્જી
- સુરતમાં છેલ્લા બે દિવસથી ભારે પવન સાથે વરસાદ વરસી રહયો છે
- ફાયર વિભાગ માત્ર સુરત જ નહીં સૌરાષ્ટ્ર માટે પણ એલર્ટ
સુરત: તૌકતે વાવાઝોડાની અસર સુરત શહેરમાં પણ જોવા મળી છે. આ વાવાઝોડાએ સુરત શહેરમાં પણ તારાજી સર્જી છે. સુરતમાં છેલ્લા બે દિવસથી ભારે પવન સાથે વરસાદ વરસી રહયો છે. ફાયર વિભાગ માત્ર સુરત જ નહીં સૌરાષ્ટ્ર માટે પણ એલર્ટ છે. સુરતમાં ભારે વરસાદ વચ્ચે આ અનેક વિસ્તારોમાં ઝાડ પડવાની ઘટનાઓ પણ સામે આવી છે. જ્યારે 18 જવાનોની એક ટીમને સૌરાષ્ટ્રની સ્થિતિ જોતા સ્ટેન્ડ બાય રખાયા છે. જેથી જરૂરિયાત સમય સૌરાષ્ટ્ર આ ટીમને મોકલી શકાય છે.
અનેક જગ્યાએ ઝાડ પડવાના બનાવો
વાવાઝોડાને લઈને સુરત શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. તો બીજી તરફ ઠેર ઠેર ઝાડ પડવાના બનાવો સામે આવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલની સામે રોડ પર ઝાડ પડતા રસ્તો બંધ થઈ ગયો હતો. તંત્રને જાણ થતાં તાત્કાલિક ઝાડ ખસેડી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત નાનપુરા વિસ્તારમાં એક એમ્બ્યુલન્સ પર ઝાડ પડ્યું હતું. જેને લઈને એમ્બ્યુલન્સનો ભુક્કો બોલી ગયો હતો. એટલું જ નહીં અડાજણ ચોકસીની વાડી પાસે પણ અનેક ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી હતી. તેમજ જૂની RTO પાસે પોલીસ દ્વારા લગાવવામાં આવેલા બ્રેક રેટિંગ પણ તૂટી ગયા હતા. ફાયર વિભાગને 70થી વધુ કોલ મળ્યા છે. 100થી વધુ વૃક્ષ ધરાશાયી થયા છે.
આ પણ વાંચો: વડોદરામાં તૌકતે વાવાઝોડાનો પડકાર, ‘ખાખી’ હંમેશા છે તૈયાર
બ્રિજ પર વાહન ચલાવવામાં લોકોને હાલાકીસુરત શહેરમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બ્રિજ પર સવારમાં લોકો વાહનો લઈને નીકળ્યા હતા, પરંતુ તેઓ બ્રિજ પર વાહન હંકારી શક્યા ન હતા. કેટલાક લોકોએ તો વાહન દોરીને બ્રિજ પર કરવો પડ્યો હતો. ભારે પવન હોવાથી લોકો વાહન ચલાવી શક્યા ન હતા.
વેક્સિનેશન સેન્ટર પણ સ્થિતિ ખરાબ
તૌકતે વાવાઝોડાને ધ્યાનમાં રાખી બે દિવસ સુરતમાં વેક્સિનેશન ની પ્રક્રિયા બંધ રાખવામાં આવી છે ત્યારે સુરતના અમથાં વિસ્તાર ખાતે આવેલા વ્યક્તિને સેન્ટરની બહાર મુકવામાં આવેલા કુરસીઓ અને ટેન્ટ ભારે પવનના કારણે હાલો ઉડીન તૂટી ગયા હતા. એટલું જ નહીં વેક્સિનેશન સેન્ટરની બહાર બે વૃક્ષો પડી ગયા હતા.
આ પણ વાંચો: તૌકતે વાવાઝોડાની અસર વડોદરા શહેરમાં જોવા મળી, ભારે પવન સાથે વરસાદનું આગમન
ફાયરની 36 ટીમો કરી રહી છે કામ
વાવાઝોડાની અસર સુરતમાં દેખાઈ છે. જેને લઈને સુરતનું તંત્ર એલર્ટ થઈ ગયું હતું. સુરત શહેરમાં તંત્ર દ્વારા 24 કલાક કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે અને ફાયરની 36 ટિમો કાર્યરત કરી દીધી છે. સવારથી ફાયરના જવાનો કામે લાગી ગયા છે. ફાયર કંટ્રોલ રૂમના ફોન સતત રણકી રહ્યા છે અને ઠેર ઠેરથી ઝાડ પડવાના અને નુકસાનીના સમાચારો સામે આવી રહ્યા છે.
કોવિડ હોસ્પિટલમાં હેલ્પ ડેસ્કનો મંડપ તૂટી પડ્યો
સુરત શહેરમાં એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે જેને લઈને સિવિલ હોસ્પિટલમાં કોવિડ હેલ્પ ડેસ્ક બનાવવામાં આવ્યો હતો, પરંતુ ભારે પવનના કારણે આ હેલ્પ ડેસ્કનો મંડપ પણ તૂટી પડ્યો છે. જોકે, ત્યાંથી કોઈ જાનહાનીના સમાચાર સામે નથી આવ્યા પરંતુ મંડપ સંપૂર્ણ પણે તૂટીને ધરાશાહી થઈ ગયો હતો.