સુરત : કર્ણાટક રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાથી શરૂ થયેલો હિજાબ વિવાદ વકરી રહ્યો છે. બે દિવસ પહેલા સુરતના ઉધના વિસ્તારમાં મુસ્લિમ સમાજની મહિલાઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી અને આજે પણ સુરતના ચોક વિસ્તારમાં મુસ્લિમ સમાજ દ્વારા રેલી યોજાવાની હતી. પરંતુ પોલીસ પરવાનગી નહીં મળતા રદ કરવી પડી હતી. AIMIM ના સ્થાનિક નેતાઓ કે જે આ રેલીના આયોજક હતાં તેમની અટકાયત કરવામાં આવી હતી..
ગુરુવારે પ્રદર્શિત થયો હતો વિરોધ
ગુરુવારે સુરતના ઉન વિસ્તારમાં મુસ્લિમ સમાજની મહિલાઓએ હિજાબ પહેરી મૌન રેલી સાથે પ્રદર્શન કરી શૈક્ષણિક સંકુલમાં ધર્મ મુજબ પહેરવેશ પહેરવાની છૂટ આપવાની માંગણી કરી હતી. શનિવારે પણ આવી જ પ્રકારની રેલી યોજવામાં આવનાર હતી. પરંતુ પોલીસ પરવાનગી નહીં મળતા રેલી રદ કરવામાં આવી હતી. એક દિવસ પહેલાં જ સોશિયલ મીડિયામાં હિજાબ રેલી અંગે અને એક ઇમેજ અને વિડીયો વાયરલ થયા હતાં. ત્યારબાદ પોલીસ હરકતમાં આવી હતી અને આ રેલી રદ કરવામાં આવી હતી. રેલી સુરતની આઇ.પી.મિશન શાળાથી શરૂ થઈ ચોક બજાર સુધી જવાની હતી. જેમાં હજારોની સંખ્યામાં મુસ્લિમ સમાજની મહિલાઓ શામેલ થવાની હતી.
આ પણ વાંચોઃ Hijab Row : કર્ણાટકમાં યુનિવર્સિટીઓ અને કોલેજો 16 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે
પોલીસ પરવાનગી નહીં મળતા રેલી રદ
જે જગ્યાએ રેલી થનાર હતી ત્યાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રેલી બપોરે ત્રણ વાગ્યે નીકળનાર હતી. પરંતુ પોલીસ પરવાનગી નહીં મળતા રેલી રદ કરાઈ હતી. રેલી રદ થતા એઆઈએમઆઈએમના સુરતના મહામંત્રી વસીમભાઈ કુરેશીએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે સુરત મહિલા અધ્યક્ષ નઝમા ખાન અને પ્રમુખ વસીમની અટકાયત અઠવા પોલીસ દ્વારા કરાઈ છે.
આ પણ વાંચોઃ HIJAB ROW : જ્યારે દીપિકા પાદુકોણથી લઈને આલિયા ભટ્ટ સુધી ફિલ્મોમાં હિજાબ અને બુરખો પહેર્યો!