અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેકટને શરુઆતથી જ ગ્રહણ નડયું હતું. સુરત, નવસારી અને મહારાષ્ટ્રમાં જમીન ગુમાવનારા ખેડૂતોએ વિરોધ દર્શાવી જમીન આપવા સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. ઓલપાડ, કામરેજ અને માંગરોળના કેટલાક ખેડૂતોએ સર્વેની કામગીરી પણ અટકાવી દીધી હતી. તેમજ ન્યાય માટે કોર્ટના દ્રાર પણ ખખડાવ્યા હતાં.
સુરત જિલ્લાના ઓલપાડ, કામરેજ અને માંગરોળ તાલુકાના ગામોમા જંત્રીનો ભાવ રૂપિયા 100થી પણ ઓછા છે. જેને કારણે ખેડૂતોને બજાર ભાવ કરતા ખુબ જ ઓછો ભાવ મળી રહ્યા હતો. માટે જ ખેડૂતો સખત વિરોધ નોંધાવી રહ્યા હતાં. તે દરમિયાન 100 રુપિયાથી ઓછી જંત્રી ધરાવતા ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તે માટે કલેકટર ડૉ.ધવલ પટેલની અધ્યક્ષતામાં એક કમિટિની રચના કરવામા આવી હતી. આ કમિટિમાં જિલ્લા વિકાસ અધિકારી સભ્ય તરીકે, સુરત સ્ટેમ્પ ડયૂટીના નાયબ કલેકટરની સભ્ય સચિવ તરીકે નિમણૂક કરાઇ હતી.
કમિટિએ ઓલપાડ, માંગરોળ અને કામરેજમા 100થી ઓછી જંત્રી ધરાવતા આઠ ગામોમાં સર્વે કર્યો હતો. સર્વે બાદ 100થી ઓછી જંત્રી ભાવ ધરાવતા ખેડૂતોને પ્રતિ ચોરસ મિટરે રૂપિયા 708નો ભાવ આપવાનો નિર્ણય કરવામા આવ્યો. જેને લઇને ખેડુતોમા ખુશીની લહેર જોવા મળી રહીં છે. આ અંગે 13મી નવેમ્બરના રોજ મહેસુલ પ્રધાન સાથે બેઠક મળશે અને ત્યારબાદ સત્તાવાર જાહેરાત કરાશે.