સુરત: શહેરના ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં સ્વચ્છતા અને રોગ પ્રત્યે સભાનતા નહીં હોવાના કારણે કોરોના ઝડપથી ફેલાવવાની શક્યતાઓ પ્રબળ બની જાય છે. આ પરિસ્થિતિમાં લોકો પોતાના સ્વાસ્થય અંગે જાગૃત બને તે ખૂબ જરૂરી છે. આ પ્રવૃત્તિના ભાગરૂપે સંસ્થા દ્વારા વિસ્તારના લોકોને હાથ ધોવાની સાચી પદ્ધતિ તેમજ પર્સનલ હાઈજીન વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને કોરોનાને ફેલાતો અટકાવવા માટે સોશિયલ ડિસ્ટનસ, હેન્ડ સેનીટાઇઝરના ઉપયોગ અને માસ્ક પહેરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઉપરાંત વિસ્તારના બાળકો માટે આંગણવાડી વર્કર અને સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા હેન્ડવોશ નિદેર્શન પણ કરવામાં આવ્યા હતા.
આગાખાન એજન્સી ફોર હેબીટાટ અને યુનિસેફ સંસ્થા દ્વારા અમદાવાદ અને સુરતના સ્લમ વિસ્તારોમાં જનજાગૃતિ દ્વારા કોવિડ-19ને વકરતો અટકાવવા માટે વિવિધ કવાયતો હાથ ધરવામાં આવી રહી છે. આશા-આંગણવાડી વર્કર, અર્બન લોકલ બોડી(ULB) અને સ્લમ વિસ્તારની સામાજિક સંસ્થાઓને વિશિષ્ટ તાલીમ આપી લોકજાગૃતિ ઝૂંબેશમાં જોડવામાં આવી રહી છે. તદુપરાંત ટૂંક સમયમાં સુરત શહેરના અન્ય 16 સ્લમ વિસ્તારોમાં પેડલ ઓપરેટેડ હેન્ડવોશ સ્ટેશન સંસ્થા તરફથી મુકવામાં આવશે. તેમજ હેન્ડવોશ સ્ટેશનની જાળવણી માટે વિસ્તારના લોકોને જ તૈયાર કરવામાં આવશે. હાલ આગાખાન એજન્સી ફોર હેબીટાટ શહેરના રાંદેર, જહાંગીરપુરા, વરિયાવ, તાડવાડી અને ધાસ્તીપુરા વિસ્તારમાં કાર્યરત છે.
ધાસ્તીપુરામાં યોજાયેલા ગ્લોબલ હેન્ડવોશ દિવસની ઊજવણીમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન મધ્યઝોનના આસિસ્ટન્ટ કમિશ્નર/ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશ્નર ડૉ.ગાયત્રીબેન જરીવાલા, ડેપ્યૂટી મેડિકલ ઓફિસર ડૉ.મહેન્દ્રભાઈ પટેલ, ચીફ સેનિટરી ઇન્સ્પેકટર એસ.જી પટેલ, ધાસ્તીપુરા વોર્ડના હોદ્દેદારો, આંગણવાડી સુપરવાઈઝર અને વર્કર, સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ વિસ્તારના આગેવાનોએ સ્વચ્છતા જાળવવા અને કોવિડ-19 સામે રક્ષણ મેળવવા પ્રતિજ્ઞા લીધી હતી.